વહીવટી તંત્ર એક્શન મોડ પર:મોરબીની 3 બેઠક માટે 905 બૂથ પર 8.17 લાખ મતદારો મતદાન કરશે

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની મોરબી, વાંકાનેર અને ટંકારા બેઠક માટે પહેલી ડિસેમ્બરે લોકશાહી પર્વની ઉજવણીની તૈયારીઓ પુરજોશમાં

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ૧૮૨ વિધાનસભા સીટ પર મતદાન કાર્યક્રમની જાહેરાત કરતાની સાથે રાજ્યભરમાં ચૂંટણી માહોલ જામવા લાગ્યો છે. ત્યારે મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા સીટમા પણ તૈયારી શરૂ થઈ ગઈ છે. વિધાનસભાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મોરબી જિલ્લાના મોરબી મતવિસ્તારના ૨૯૯ બુથ, ટંકારા મતવિસ્તારના ૩૦૦ બુથ તથા વાંકાનેર મતવિસ્તારના ૩૦૬ બુથ મળી કુલ ૯૦૫ બુથ પર મતદાન થનાર છે ત્યારે મોરબી ચૂંટણી શાખા સાથે સંપૂર્ણ વહીવટી તંત્ર પણ ચૂંટણીઓની તૈયારીઓમાં સજ્જ બન્યું છે.

લોકશાહીના આ પર્વ અન્વયે સમગ્ર જિલ્લામાં કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મોરબી જિલ્લાની ત્રણ બેઠકો મુજબ જોઈએ તો ૬૫-મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેરના મતવિસ્તાર માટે આગામી ચૂંટણીમાં ૧ નવેમ્બરની સ્થિતિએ ૬૫-મોરબી મતવિસ્તાર માટે ૧,૪૮,૬૯૫ પુરૂષો તથા ૧,૩૭,૯૮૮ મહિલાઓ મળી કુલ ૨,૮૬,૬૮૬ મતદારો, ૬૬-ટંકારા મતવિસ્તાર માટે ૧,૨૮,૧૩૧ પુરૂષો તથા ૧,૨૧,૩૧૩ મહિલાઓ મળી કુલ ૨,૪૯,૪૪૪ મતદારો અને ૬૭-વાંકાનેર મતવિસ્તાર માટે ૧,૪૫,૨૨૧ પુરૂષો તથા ૧,૩૫,૯૮૩ મહિલાઓ મળી કુલ ૨,૮૧,૨૦૫ મતદારો એમ કુલ ૮,૧૭,૩૩૫ મતદારો લોકશાહીના પર્વમાં ભાગીદાર બનશે.

મોરબીમાં જિલ્લામા 18896 યુવા પ્રથમવાર મત આપશે
મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં મતદારોનું ઉમર મુજબ વર્ગીકરણ કરતા 18896 મતદારો.18-19 વર્ષના હોવાનું સામે આવ્યું છે આ મતદારો એવા છે જે પ્રથમવાર પોતાનો મત આપશે.આ ઉપરાંત 20-29 વર્ષના 1,75,774 મતદારો નોંધાયા છે તો 30-39 વર્ષના 2,12,089 મતદારો છે. જ્યારે 40-49 વર્ષના 1,53,481 મતદારો, તેમજ 50-59 વર્ષના 1,19,722 મતદારો, 60-69 વર્ષના 79,899 મતદારો, 70-79 વર્ષના 39,641 મતદારો અને 80 વર્ષથી ઉપરના 17,833 મતદારોનો સમાવેશ થાય છે.

વયોવૃધ્ધ 17,833 મતદારો માટે ઘરે બેઠાં મતદાન કરવાની સુવિધા
૮૦ વર્ષથી ઉપરના મતદારોનું મતવિસ્તાર મૂજબ વર્ગીકરણ કરવામાં આવે તો, ૬૫-મોરબી મતવિસ્તારમાં ૬,૨૩૭, ૬૬-ટંકારા મતવિસ્તારમાં ૫,૭૪૦ અને ૬૭-વાંકાનેર મતવિસ્તારમાં ૫,૮૫૬ મતદારો મળી કુલ ૧૭,૮૩૩ મતદારો ૮૦ વર્ષથી ઉપરની ઉંમરના છે. જેમના માટે પેપર બેલેટ (ટપાલ મતપત્ર)ની વ્યવસ્થા કરવામાં આવશે જેથી તેઓ ઘર બેઠા મતદાન કરી શકશે.

જિલ્લામાં 5312 દિવ્યાંગ મતદારો માટે પેપર બેલેટની કરાશે વ્યવસ્થા
આ મતદારો પૈકી ૬૫-મોરબી મતવિસ્તાર માટે ૧,૬૪૨ ૬૬-ટંકારા મતવિસ્તાર માટે ૧,૭૩૯ અને ૬૭-વાંકાનેર મતવિસ્તાર માટે ૧,૯૩૧ મળી કુલ ૫,૩૧૨ PWD (Person With Disabilites)નો સમાવેશ થાય છે. જેમના માટે પેપર બેલેટ (ટપાલ મતપત્ર)ની વ્યવસ્થા કરવામાં આવશે જેથી તેઓ ઘર બેઠા મતદાન કરી શકે અને લોકશાહી પર્વમાં સહભાગી થયાનો ગર્વ અનુભવી શકે.

12-13 નવેમ્બરે ફોર્મની કામગીરી બંધ
મોરબીની ત્રણેય વિધાનસભા સીટ પર તા. 12 અને 13 નવે. ઉમેદવારી પત્ર મેળવવા અને જમા લેવાની કામગીરી બંધ રહેશે
વિધાન સભા ચુંટણીની જાહેરાત થયા બાદ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા આં અંગે ૫મી નવેમ્બરના રોજ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યા બાદ જિલ્લાની ત્રણ બેઠક મોરબી -માળિયા , ટંકારા-પડધરી અને વાંકાનેર વિધાનસભા વિસ્તાર માતે ઉમેદવારી પત્ર મેળવવાની તથા રજૂ કરવાની પ્રકિયા શરૂ કરવામા આવી છે. 5 નવેમ્બરથી વિવિધ વિધાનસભા વિસ્તારના રીટર્નીંગ ઓફિસર પાસે ફોર્મ મેળવવા અને જમા કરવાની પ્રકિયા પણ ચાલી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીની સુચના પ્રમાણે તા 12 અને 13 નવેમ્બરના રોજ ઉમેદવારી પત્ર મેળવવા અને જમા લેવાની કામગીરી બંધ રહેશે.

જયારે 14 નવેમ્બર સુધી ચાલુ રહેશે. પ્રથમ તબક્કા માટે તા.14 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રો રજૂ કરવાના રહેશે. જો કે જાહેર રજાના દિવસોએ ઉમેદવારી પત્રો સ્વીકારવાના રહેશે નહીં. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તા.25 /10/2022 ના રોજ રજા જાહેર કરવામાં આવી હતી. આ રજાની અવેજીમાં તા. 12/11/22 ને શનિવારના રોજ રાજ્ય સરકાર હસ્તકની તમામ કચેરીઓ ચાલુ રાખવામાં આવશે. તા.12/11 22 ના બીજા શનિવારની રજા ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ Negotiable instruments Act,1881 ની કલમ-25 હેઠળના હેતુ માટેની જાહેર રજાની વ્યાખ્યામાં આવતી હોવાથી આ દિવસે ચૂંટણી અધિકારીઓ દ્વારા કોઈપણ ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવશે નહીં. ઉપરાંત રવિવારના દિવસે પણ ઉમેદવારી પત્ર સ્વીકારાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...