મોરબી ન્યૂઝ:દોશી આંખની હોસ્પિટલમાં 8 દિવસનો વિનામૂલ્યે મેગા કેમ્પ યોજાશે; 181 હેલ્પલાઈન બની મહિલાઓ માટે આશીર્વાદરૂપ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આંખ સંબંધી સમસ્યાઓ આજકાલ વધી રહી છે. આંખમાં દુખાવો થવો, નંબર વધવા અથવા ચશ્મા આવવા, આંખોમાં બળતરા, આંખો લાલ થવી, આંખોમાંથી પાણી નીકળવું, આંખો પર સોજા આવવા વગેરે સમસ્યાઓ થાય છે. ત્યારે વાંકાનેરની જનતાને આ પ્રકારની આંખ સંબંધિત સમસ્યાથીઓથી મુક્ત કરવા દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન.આર.દોશી આંખની હોસ્પિટલમાં 21થી 28 જાન્યુઆરી 2023 સુધી 8 દિવસના આંખના વિનામૂલ્યે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં બીજી બાજુ ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદી પટેલના શાસન સમયે મહિલાઓને ઘરેલુ હિંસા, સામાજિક કે પારિવારિક અત્યાચારોથી બચાવવા અને તુરંત મદદ પહોંચાડવા 181 મહિલા અભયમ હેલ્પલાઈન શરું કરવામાં આવી હતી. જે હેલ્પ લાઈન મહિલાઓ માટે આશીર્વાદ સમાન બની ગઈ છે. મોરબી જીલ્લાની વાત કરીએ તો વીતેલા વર્ષ 2022માં મોરબી જીલ્લામાં 669 પીડિત મહિલાઓએ આ સેવાનો લાભ લીધો હતો.

દોશી આંખની હોસ્પિટલમાં વિનામૂલ્યે મેગા કેમ્પ યોજાશે
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર નવા બસ સ્ટેશની બાજુમાં આવેલી એન.આર. દોશી આંખની હોસ્પિટલમાં યોજાનાર આ કેમ્પમાં વિદેશના તથા ભારતના મુંબઈ, નાગપુર, પુના, ચેન્નઈ, વડોદરા, અમદાવાદ, રાજકોટ વગેરે જેવા શહેરના આંખના નિષ્ણાત ડોક્ટરોની સેવાનો લાભ મળશે. કેમ્પમાં ત્રાસી આંખ, બાળમોતિયા અને આંખના અન્ય રોગનું નિદાન, સારવાર તથા ઓપરેશન કરવામાં આવશે. ત્રાંસી આંખ માટે કોઈપણ ઉંમરના દર્દી નામ નોંધાવી શકશે. બાળ મોતીયા માટે અથવા આંખની અન્ય તકલીફ માટે 16 વર્ષ અથવા તેનાથી નાની ઉંમરના બાળકો જ નામ લખાવી શકશે.

તા.1 થી 15 સુધીમાં નામ લખાવવાનું રહેશે
17 વર્ષ અથવા તેનાથી મોટી ઉંમરના વ્યક્તિઓ કે જેમને મોતિયાની તકલીફ અથવા આંખની અન્ય તકલીફ હોય તેવા દર્દીઓ આ કેમ્પમાં લાભ લઇ શકશે નહીં. તેમના માટે કેમ્પની તારીખના સિવાયના સમયમાં આંખ બતાવી શકાશે અને મોતિયાના વિનામૂલ્યે ઓપરેશન પણ કરાવી શકાશે. કેમ્પમાં ઓપરેશન કરેલા દર્દીઓને દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે. કેમ્પમાં જે દર્દીઓએ અગાઉથી નામ લખાવેલું હશે તેમને જ જોવામાં આવશે. એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત છે. ફોન કરીને એપોઇન્ટમેન્ટ મેળવી શકાશે. તેના માટે રૂબરૂ હોસ્પિટલે આવવાની જરૂર નથી. નામ લખાવવા માટે ફોન પર સવારે 9:30 થી 1:00 તથા બપોરે 3:00 થી 6:00 દરમિયાન તારીખ 1 થી 15 સુધીમાં નામ લખાવવાનું રહેશે. તેમ જણાવવામાં આવ્યું છે.

મોરબી જીલ્લામાં એક વર્ષમાં 669 પીડિત મહિલાઓને મદદ મળી
181 અભયમ હેલ્પલાઈન મહિલાઓ પર થતા શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર સહિત ઘરેલું હિંસા સહિતના કિસ્સાઓ, કામનાં સ્થળે જાતિય સતામણી, લગ્નજીવનના વિખવાદો, લગ્નેતર સંબંધ, મનોરોગી મહિલાઓની સમસ્યાઓ, બાળ જન્મ, બાળ લગ્ન, બિન જરુરી ફોન કોલ-મેસેજથી હેરાનગતિ, મહિલાને મિલકતમાં ભાગીદારી, છેડતી, સાયબર ક્રાઇમ, અપહરણ, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સાઓમા મદદરૂપ બને છે. આ સેવા ગુજરાતના ખૂણે ખૂણે પહોંચીને મહિલાઓએ મદદ કરે છે. જેમાં મોરબી જીલ્લામાં પણ 181 ટીમ બહુ અસરકારક અને પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે.

જરૂરત પડે એટલે 181 ટીમ ખડેપગે
વર્ષ 2022માં મોરબી 181 અભયમ હેલ્પલાઇન દ્વારા 669 પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર જ મદદ પહોંચાડવામાં આવી હતી. જેમાંથી 423 જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ દ્વારા સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં આવ્યું હતું, અને અન્ય 242 કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિત મહિલાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર વગેરે મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જવામાં આવી હતી. જરૂરી કાનૂની મદદ અને માર્ગદર્શન પૂરું પાડી પીડિત મહિલાઓને હુંફ પૂરી પાડી હતી. મોરબી જીલ્લામાં 181 મહિલા અભયમ હેલ્પલાઈનનો પીડિત મહિલાઓ લાભ ઉઠાવી રહી છે. ગમે ત્યારે મહિલાઓને જરૂરત પડે એટલે 181 ટીમ ખડેપગે હાજર જોવા મળતી હોય છે.

મહિલાઓ માટે આશીર્વાદ સમાન 181 અભયમ હેલ્પલાઈન
ગુજરાત રાજ્યમાંથી વર્ષ 2015થી અત્યાર સુધી 12 લાખ જેટલા પિડીત મહિલાઓએ સલાહ-સૂચન, મદદ અને બચાવ માટે 181 મહિલા હેલ્પલાઇનમાં કૉલ કરેલો અને જેમાંથી ખાસ કિસ્સાઓમાં ઘટનાસ્થળે પહોંચી અઢી લાખ ઉપરાંત મહિલાઓને રેસ્કયું ટીમ દ્વારા બચાવ અને મદદ પહોંચાડવામાં આવી હતી. બાકીના મહિલાઓને માર્ગદર્શન અને સંદર્ભ સેવાઓ આપવામાં આવી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદી પટેલે શરુ કરેલી સેવા લાખો મહિલાઓ માટે આશીર્વાદ સમાન બની રહી છે. એક મહિલાની પીડા એક મહિલા જ સમજી સકે તેમ આનંદીબેને આ ખાસ સેવા શરુ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...