ઠંડીમાં મતદાનમાં ગરમી:મોરબી જિલ્લાની 196 પંચાયત માટે 73 % મતદાન

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલાઓએ સવારથી જ ઘરકામને બદલે મતને પ્રાધાન્ય આપ્યું અને શાસકોને ચૂંટવા આત્મનિર્ભરતાના દર્શન કરાવ્યા. - Divya Bhaskar
મહિલાઓએ સવારથી જ ઘરકામને બદલે મતને પ્રાધાન્ય આપ્યું અને શાસકોને ચૂંટવા આત્મનિર્ભરતાના દર્શન કરાવ્યા.
  • મોટાભાગના ગામડાઓમાં સવારથી એકધારું મતદાન કરી 74.29 ટકા પુરુષ અને 71.89 ટકા સ્ત્રીઓએ કર્યો મતાધિકારનો ઉપયોગ
  • મહિલાઓ આત્મનિર્ભર- આજે મતદાન પહેલા પછી જ ઘરનું કામ

રાજ્યની અલગ અલગ ગ્રામ પંચાયત માટે જાહેર થયેલી ચૂંટણી માટે મતદાન થયું હતું.જેમાં મોરબી જિલ્લાની 196 ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી અને 1 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી માટે કુલ 405 બુથ પર મતદાન યોજાયું હતું. આ માટે કુલ 504 સરપંચ ઉમેદવાર અને 3783 વોર્ડ સભ્યના ઉમેદવાર મેદાનમાં હતા. મોરબી જિલ્લામાં કુલ 3,46,897 મતદારો નોંધાયા હતા. જેમાંથી 1,80,175 પુરુષ મતદાર અને 1,66,722 સ્ત્રી મતદારો નોંધાયા હતા.મોરબી જિલ્લામાં વહેલી સવારથી મતદાન બુથ પર મતદારોની લાઈનો લાગી હતી.

મોરબી જિલ્લાની 197 ગ્રામપંચાયતમાં પ્રથમ બે કલાકમાં કુલ 9.39 ટકા મતદાન થયું હતું. મતદારોની વાત કરીએ તો શરૂઆતના કલાકોમાં જિલ્લામાં કુલ 23,339 પુરુષ મતદારો અને 9158 સ્ત્રી મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બાદમાં ધીમે ધીમે મતદાનમાં વધારો થયો હતો. સાંજે 5 કલાક સુધીમાં આવેલી વિગત મુજબ જિલ્લામાં કુલ 73 ટકા મતદાન થયું હતું.

મતદારોની સંખ્યા જોઈએ તો 1,33,845 પુરુષ મતદાર અને 1,19,850 સ્ત્રી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું અને ક્યાંય કોઇ અનિચ્છનીય ઘટના બનવા પામી ન હતી.

બેલેટ પેપરમાં સિક્કાની શાહી ઓછી ઉઠતી હોવાની મતદારોની ફરિયાદ
ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાની હોવાથી બેલેટ પેપર પર ચોકડીનો સિક્કો મારી મતદાન કરવાનું હતું. તેમાં સિક્કો ઇન્ક પેડમાં પલાળી બાદ બેલેટ પેપરમાં મતદાર મારતા હોવા છતાં ખૂબ આછો ઉઠતો હતો. જેથી મતદાર પોતાનો મત ક્યાંક નિષ્ફળ જશે તેવા ડરે ફરીથી સિક્કો મારતા સિક્કાની નિશાની ચોકઠાંની બહાર ચાલી જતા તેવા મત નિષ્ફળ જતા હોવાની મોટા ભાગના ગામોમાં મતદારોએ પ્રિસાઇડિંગ ઓફિસરને ફરીયાદ કરી હતી. અને બાદમાં આ સમસ્યાનો પણ ઓફિસરે ઉકેલ લાવી દીધો હતો.

ધોરાજીના સર્કલ ઓફિસરે ફરજને આપ્યું પ્રાધાન્ય
ધોરાજી મામલતદાર કચેરી ખાતે સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કંડોરિયાને તાલુકાના ભાડેર, વાડોદર, વેલારીયા, નાની મારડની પચાયતોના ચૂંટણી અધિકારી તરીકે ફરજ સોંપાઈ હતી. ગત શનિવારે તેઓ મતદાન મથકોની કામગીરીમાં જોડાયાં હતાં. ત્યારે અકસ્માતે પડી જતા હાથમાં ઈજા પહોંચી હતી. આરામને બદલે પોતાની ચૂંટણી અધિકારી તરીકેની ફરજને પ્રાયોરીટી આપતા નાયબ કલેક્ટર જી. વી. મીયાણી, મામલતદાર કે. ટી. જોલાપરાએ બિરદાવ્યા હતા.

ગામડાંની લટાર, મતદાનની સાથે સાથે

  • જસદણના કેટલાક ગામોમાં સરપંચ પદ અનામત કેટેગરીનું હોવાથી આવા ગામોમાં મતદારોમાં મતદાનનો ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો.
  • ધોરાજી ઉપલેટા જામકંડોરણા તાલુકાના 138 બુથ સંવેદનશીલ જાહેર કરાયા હતા. ત્યાં પોલીસનો સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો હતો.
  • તમામ મતદાન મથકો પર આરોગ્યની ટીમ તૈનાત કરવામાં આવી હતી.
  • ગોંડલ પંથકની કેટલીક બેઠકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હોય4 ભુણાવા ગામે ગેરરીતિની આશંકા સેવી પોલીસ બંદોબસ્ત પણ માગવામાં આવ્યો હતો પરંતુ કોઇ પણ જાતના છમકલાં વગર ચૂંટણી યોજાઇ હતી.
  • ​​​​​​​મોરબીના અમુક ગામોમાં બેલેટ પેપરથી મતદાન થઇ રહ્યું હોવાથી ધીમું મતદાન થઇ રહ્યું હોવાથી અમુક બૂથ પરથી લોકો નીકળી જવા લાગતાં હતા.

અન્ય સમાચારો પણ છે...