આજના ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની વિકટ સમસ્યા મામલે સંસ્થાઓ અને જાગૃત નાગરિકો તથા સરકાર નિતનવા ગતકડાં કરે છે.પણ આ સ્થિતિમાં બદલાવ લાવવા નક્કર પ્રયાસો ભાગ્યે જ થાય છે. સંસ્થાઓ કે જાગૃત નાગરિકો તેમજ ઉદ્યોગકારો કે સરકારને પણ પર્યાવરણ દિવસે જ વૃક્ષારોપણ યાદ આવે છે. આપણે અહીં એક એવા પર્યાવરણ પ્રેમીની વાત કરવાની છે કે જેમણે ફેકટરી અને સુખી, સમૃદ્ધ તથા એશોઆરામની જિંદગી ન્યોછાવર કરીને વૃક્ષો વાવીને એકલપંડે હરિયાળી કાંતિ સર્જી છે.એમનું નામ છે જીવરાજભાઈ લિખિયા.
મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા સુખી સંપન્ન 76 વર્ષીય જીવરાજભાઈ લિખિયા મોરબી તાલુકાના અામરણ ગામના વતની પણ ધંધાના લીધે 40 વર્ષથી નવસારીમાં રહ્યા હતા. ધંધામાં ખૂબ કમાયા બાદ પરિવાર સાથે 7 વર્ષ પહેલાં વતન મોરબી પરત આવ્યા હતા અને મોરબીમાં સીરામીક ફેકટરી નાખી રોજબરોજનની જીવનની ઘટમાળમાં પરોવાઇ ગયા હતા.
દરમ્યાન જીવરાજદાદાના ધ્યાને આવ્યું કે ,મોરબી શહેરમાં વૃક્ષોની સંખ્યા દિનપ્રતિદિન ઘટી રહી છે. શહેર સિમેન્ટ ક્રોક્રિટનું જંગલ બની ગયું છે.આથી તેમણે એકલપંડે વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો અને સાથે મોરબીને લીલુંછમ હરિયાળું બનાવનું અભિયાન શરૂ થયું.
જીવરાજ બાપાએ પાંચ વર્ષ પહેલાં નર્સરીમાંથી રોપા લાવીને મોરબી આસપાસના વિસ્તારોમા વિસ્તારમાં વૃક્ષો વાવ્યા.જેમાં ખાસ કરીને રવાપર ચોકડીથી જોધપર નદી ડેમ કાંઠા સુધી વૃક્ષો વાવ્યા છે. જોધપર નદી ડેમ કાંઠે તો 11 વિઘા જમીનમાં 700 વૃક્ષો અને ભાણદેવજી મહારાજના આશ્રમ પાસેના ખરાબામાં વાવેલા 400 વૃક્ષો ઘેઘુર બની ગયા છે.
તેમજ અનેક સિરામીક ઝોન વિસ્તારમાં વૃક્ષો વાવ્યા છે.ચાર વર્ષથી તેમનું નિયમિત એક જ કામ રહ્યું છે વધુને વધુ વૃક્ષ વાવવાનું .જે લોકો તેમને વૃક્ષ વાવવા બોલાવે કે તરતજ જીવરાજ બાપા પહોંચી જાય અને હોંશે હોંશે વૃક્ષોનું વાવેતર કરી નાખે એટલું જ નહીં વૃક્ષ ફરતે ફેન્સિંગ સહિતની સુદ્રઢ વ્યવસ્થા કરે છે.તેમજ નિયમિત પાણી પાવાનું અને વૃક્ષ જ્યાં સુધી મોટું ન થાય ત્યાં સુધી જીવરાજ બાપા એની કાળજી લે છે.
12 કલાકથી વધુ સમય વૃક્ષારોપણ અને જતન પાછળ વિતાવે છે
જીવરાજ દાદાએ અત્યાર સુધીમાં 5 હજારથી વધુ વૃક્ષ વાવીને મોટા કર્યા છે.અને આજે 76 વર્ષની ઉંમરે તેમને નખમાંય રોગ નથી. એકદમ તંદુરસ્ત છે. 76 વર્ષની ઉંમરે પણ દરરોજ 12 કલાકથી વધુ સમય સુધી વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરે છે.વૃક્ષારોપણની પ્રવૃત્તિ માટે તેમણે આઠ મજૂરોની ટીમ, પાણીના સંપની વ્યવસ્થા રાખી છે. આ ઉંમરે પણ એમનામાં એવી ધગશ છે કે કઠિન કામ પણમાં પણ તેમને અનહદ આનંદ આવે છે.
પરિવારનો પણ સંપૂર્ણ સાથ અને સહકાર
જીવરાજબાપા કહે છે કે મને પૈસાની કોઈ જાતની તકલીફ નથી.વૃક્ષારોપણ માટે સિરામીક ઉદ્યોગકારોનો ખૂબ જ સહકાર મળે છે. એક દીકરો રાજુ એની પત્ની ભાવના એટલા સમજુ છે કે મારે કોઇ પણ સેવાકામ માટે ગમે તેટલા પૈસા જોઈએ, ક્યારેય માગવા નથી પડ્યા. મારા આ સતત પ્રવૃત્તિશીલ કામમાં પણ બન્ને હંમેશા મારી સાથે રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.