ગુનેગારોની પોલીસ પર ધાક:મોરબી જિલ્લામાં 10 દી’માં 6 હત્યા, અનુભવી ઉચ્ચ અધિકારીઓ, સક્રિય થાણા અને બ્રાંચ અધિકારીની ખોટ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પિતા પુત્રના મૃતદેહને પીએમ બાદ પોલીસે પરિવારને સોંપી દેતાં વીસીપરાના તેમના નિવાસસ્થાનેથી સાંજે બે જનાજા નિકળ્યા હતા, ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને અત્યંત ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. - Divya Bhaskar
પિતા પુત્રના મૃતદેહને પીએમ બાદ પોલીસે પરિવારને સોંપી દેતાં વીસીપરાના તેમના નિવાસસ્થાનેથી સાંજે બે જનાજા નિકળ્યા હતા, ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને અત્યંત ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય અને જિલ્લામાં કાયદાની ધાક ઓસરી ગઇ છે અને હવે પોલીસ પર ગુનેગારોની ધાક વધી રહી હોય તેવો ઘાટ ઘડાયો છે.અગાઉ જિલ્લામાં ચોરી, મારામારી, ધાકધમકી, લૂંટ, વ્યાજંકવાદ, ખંડણી જેવા બનાવ સામાન્ય બની ગયા હતા.

હવે તેમાં ઉમેરો થયો છે અને જાણે લોકોને મારી નાખવા એ રમતવાત હોય તેમ સરાજાહેર ફાયરિંગ કરીને કે તીક્ષ્ણ હથિયારોથી રહેંસી નાખીને હત્યાનો સિલસિલો શરૂ થયો છે. જિલ્લામાં ગત 7 તારીખે શનાળા બાયપાસ પાસે રાજકોટથી આવતા નામચીન મમુદાઢી પર ફાયરિંગ કરી હત્યા કરી પોલીસને થાય તે કરી લેવા પડકાર ફેંક્યો હતો.તો બીજા દિવસે એક મજૂરને છરીના ઘા ઝીંકી હત્યા થઈ હતી. હજુ આ ઘટનામાં કોઈ નક્કર કામગીરી થાય તે પહેલાં હળવદના જૂની જોગડમાં ભેંસ ચરાવવા જેવી બાબતમાં જૂથ અથડામણ સર્જાઇ અને બે લોકોનો લોથ ઢાળી દેવાઇ હતી. આ ઘટના ઓછી હોય તેમ બુધવારે રાત્રે ફરી એક વાર મોરબીને હચમચાવી મુકતી બેવડી હત્યા થઇ.

બુધવારે રાત્રે વિશિપરામાં પૂર્વ પાલિકા ઉપપ્રમુખ અને તેના પુત્ર પર પાંચ શખ્સએ ચૂંટણી દરમિયાન થયેલા મનદુઃખનો ખાર રાખી હત્યા નિપજાવી છે. આમ જિલ્લામાં માત્ર 10 દીવસમાં 6 હત્યાને અંજામ આપનાર ગુનેગારો પોલીસની આબરૂનું સરાજાહેર નિલામ કરી રહ્યા છે અને પોલીસ જાણે મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે, અથવા તો પોલીસથી કંઇ થતું નથી, એવું ચિત્ર ઉપસી રહ્યું છે. જિલ્લામાં અનુભવી ઉચ્ચ અધિકારીઓ, પોલીસ થાણા તેમજ સ્પેશ્યલ બ્રાન્ચમાં સક્રિય થાણા અધિકારીઓની ખોટ વર્તાઇ રહી હોય તેમ પોલીસ તમામ સ્થળે ટૂંકી પડી રહી હોય તેમ એક પછી એક ગુન્હાઓ વધી રહ્યા છે.

7 સપ્ટેમ્બરથી 16 સુધીમાં બનેલા હત્યાના બનાવની તવારિખ

તારીખ :7 સપ્ટેમ્બર સ્થળ :ભક્તિનગર સર્કલ વિગત : નામચીન હનીફ હાજી કાસમાંણી ઉર્ફે મમુદાઢી અને તેના ત્રણ સાથી રાજકોટથી પારિવારિક કામ પતાવી ઘરે પરત ફરતા હતા ત્યારે મોરબીના કુખ્યાત આરીફ મીર,ઇમરાન બાટલી,રફિક માંડવીયા સહિતના આરોપીઓએ સરાજાહેર ઘેરી ફાયરિંગ કરી હત્યા નિપજાવી ફરાર થઇ ગયા. કાર્યવાહી : બનાવમાં પાંચ આરોપી ઝડપાયા હતા.

તારીખ :10 સપ્ટેમ્બર સ્થળ : લખધીરપુર રોડ વિગત : નાસિરામીક ફેકટરીમાં કામ કરતા જ્ઞાનેન્દ્ર હરવંશ મિશ્રાની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી. જેનું કારણ એવું સામે આવ્યું હતું કે ફેકટરીમાં કામ કરતા બીજા મજુર બારીવાલ કુશાલ ટંડુંની પત્ની સામે મૃતક બીભત્સ ઈશારો કરતો હોય જેબાબતે ઝઘડો થતા હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. કાર્યવાહી : ઘટનાના 24 કલાકમાં આરોપી ઝડપાયો.

તારીખ :12 સપ્ટેમ્બર સ્થળ : હળવદ વિગત : હળવદના જૂની જોગડ ગામે ભેંસ ચરાવવા બાબતે રઘુ બચુભાઈ મુલડીયાને નવઘણ સિંધાભાઈ ઝીંઝુવાળા સાથે બોલાચાલી થતા નવઘણે બચુભાઈને બોથડ પદાર્થ ઝીકી હત્યા કરી હતી જેની જાણ રઘુના પરિજનમાં થતા તેમના જૂથના અજાણ્યાં લોકોએ નવઘણ સિંધાભાઈ ઝીંઝુવાળાની હત્યા કરી હતી. કાર્યવાહી : આ બનાવમાં ત્રણ આરોપી ઝડપાયા.

તારીખ :15 સપ્ટેમ્બર સ્થળ : વિસીપરા, મોરબી વિગત : બુધવારે રાત્રે પૂર્વ પાલિકા પ્રમુખ ફારૂક મોટલાણી ઘરે હાજર હતા ત્યારે તેમની અને પુત્રની હત્યા નીપજાવાઇ. મૃતકના પત્ની રજીયાબેન મોટલાણીએ દાદુ ઉર્ફે રફીક તાજમહમદ, અસગર જાકબ ભટ્ટી, જુસા જાકબ ભટ્ટી, આસિફ સુમરા અને મોઇન હાસમ દાવલિયા ઉર્ફે લાલો પિંજરા સામે ફરિયાદ નોંધાવી છે. કાર્યવાહી : આ પાંચેય આરોપી હજુ ફરાર.

અન્ય સમાચારો પણ છે...