મોરબીના શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા 45 વર્ષીય કયવન્ના શાહ મહેન્દ્રનગર ચોકડીએ વેલકમ સ્પાનું સંચાલન કરે છે. તેમના કસ્ટમર નરેશ ગોહિલ સાથે તેમનો પરિચય છે. આજથી દોઢેક વર્ષ પહેલા ધંધા માટે રૂપિયાની જરૂરત પડતા નરેશ ગોહિલને વાત કરી હતી અને નરેશભાઈએ રોજના રૂ. ૫૦૦ લેખે વ્યાજ લઈશ અને બદલામાં ચેક આપવા પડશે તેમ કહ્યું હતું. જેથી ફરિયાદીએ હા પાડી હતી અને રૂ. 50 હજાક વ્યાજે લીધા હતા. એક્સીસ બેન્કના 4 કોરા ચેક પણ આપ્યા હતા. બાદમાં દર દસ દિવસે રોજના રૂ. ૫૦૦ લેખે રૂ. ૫૦૦૦ વ્યાજ ચૂકવતા હતા. બાદમાં ફરી જરૂરત પડતા નરેશભાઈ પાસેથી રૂ. 50 હજાર વ્યાજે લીધા હતા. તેનું અલગથી રૂ ૫૦૦ લેખે વ્યાજ ચૂકવતા હતા. ત્રણેક મહિના વ્યાજ ભર્યા બાદ નરેશભાઈને રૂ. 50 હજાર પાછા આપી દીધા હતા અને જૂના 50 હજાર બાકી હતા જેનું એકાદ વર્ષ સુધી રેગ્યુલર વ્યાજ ચૂકવ્યું હતું. બાદમાં પૈસાની વ્યવસ્થા ના થતા તે પૈસા આપતા ના હતા અને ફરીયાદીએ વેલકમ સ્પા બંધ કરી દીધું હતું.
નરેશભાઈ અવારનવાર ફોન કરી વ્યાજ માટે દબાણ કરતા હતા અને સાડા ચાર મહિના પૂર્વે નરેશભાઈ આવીને 'તારો હિસાબ વ્યાજ સહીત રૂ. સાડા સાત લાખ થાય છે, અત્યારે જ આપ' કહ્યું હતું. જેથી હાલ પૈસા ના હોવાનું જણાવ્યું હતું. ત્યારે નરેશભાઈએ પૈસા ના હોય તો 'લખાણ કરી આપ નહીં તો તારા ટાંટિયા ભાંગી નાખીશ' કહીને શનાળા રોડ પર જીઆઈડીસીમાં આવેલ હરદેવસિંહ નોટરી પાસે લઇ ગયો હતો. જ્યાં બળજબરીપૂર્વક 7.50 લાખ ઉછીના લીધેલ છે તેવું લખાણ કરાવી લીધું હતું. બાદમાં ફોન કરી સાડા સાત લાખ તેમજ ત્યારબાદનો હિસાબ કરી જવા ધમકી આપતો હતો અને બેફામ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી મોરબીમાં રહેવા નહીં દઉં તેવી ધમકી પણ તેમને મળતી હતી.
આરોપી નરેશ ગોહિલ પાસેથી રૂ. 50 હજારનું રોજનું 500 લેખે વ્યાજે લીધું હતું. જેના બદલામાં ફરિયાદીએ રૂ. 2 લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં નરેશભાઈ અવારનવાર ઉઘરાણી કરી સાડા સાત લાખથી વધારે રૂપિયા માગી હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.