કાર્યવાહી:મોરબીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચનાર પર તવાઇ, ઝબલાં સહિત 50 કિલો જથ્થો જપ્ત

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રહી રહીને નગરપાલિકાને પ્લાસ્ટિકના વપરાશ સંબંધી આદેશનું પાલન કરાવવાનું સૂઝ્યું
  • નગરપાલિકા નિયમિત ચેકિંગ ડ્રાઇવ ચલાવે તો જ નુકસાનકારક પ્લાસ્ટિકનો વપરાશ અટકે

મોરબીમાં પાલિકાને રહી રહીને પ્લાસ્ટિકના બેફામ વપરાશ સામે પ્રતિબંધ અને દંડનીય કાર્યવાહી કરવાનું યાદ આવ્યું હોય તેમ તાજેતરમાં જ ચીફ ઓફિસરની સુચના બાદ ટીમે પ્લાસ્ટિક વેચતા વેપારીઓની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું હતું અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 50 કિલો જથ્થો જપ્ત કર્યો હતો અને વેપારીઓ સામે કાર્યવાહી આરંભવામાં આવી હતી.

જો કે પાલિકા તંત્ર આ કામગીરી નિયમિત અને દરેક વોર્ડમાં હાથ ધરે તો જ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ અટકે અને તેના લીધે થતું પર્યાવરણીય નુકસાન પણ અટકાવી શકાય. હવે જોવાનું એ રહે છે કે આ બાબતમાં પણ પાલિકા આરંભે શુરાની નીતિ અપનાવે છે કે કડક કાર્યવાહી કરવાનું શરૂ રાખે છે.

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રકારની ચીજ વસ્તુઓનો સીધો ઉપયોગ કરવા તેમજ તેના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં મોરબી શહેરના અનેક વિસ્તારોમાં કોઈ પણ રોકટોક વિના પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ભરપુર વેચાણ થતું જ હોય છે.

પાલિકા દ્વારા જાણે કામગીરી દેખાડવા ગણ્યાં ગાઠયાં વિસ્તારમાં ચેકિંગ કરી પ્લાસ્ટિક પકડી સંતોષ માની લેવામાં આવતો હોવાની ફરિયાદ વચ્ચે આજે ફરી પાલિકાને આ ચેકિંગનું શુરાતન ચઢ્યું હોય તેમ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની સુચનાથી સેનેટરી ઇન્સ્પેકટર કૃષ્ણસિંહ અને તેમની ટીમ દ્વારા નવાડેલા રોડ પર ચેકિંગ કર્યું હતું અને અલગ અલગ દુકાનમાંથી 50 કિલો પ્લાસ્ટિક ઝબલા,31 પેકેટ ગ્લાસ,29 પેકેટસ પ્લાસ્ટિક ચમચી,3 પેકેટ સ્ટ્રો,10 પેકેટ પાન પીસ,દુધની પ્લાસ્ટિક થેલીના 3 પેકેટ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો તેમજ પ્રતિબંધિત પેકેટનું વેચાણ કરનાર વેપારીઓને રૂ 1500નો દંડ પણ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...