મોરબીના વજેપર વિસ્તારમાં મારામારીનો ખાર રાખીને પાંચ ઇસમોએ તલવાર સાથે મહિલાના ઘરમાં ઘૂસીને ઘરમાં રહેલ ટીવી, કબાટ અને ફળિયામાં પડેલા બાઈકમાં નુકશાન કરી મહિલાના હાથની આંગળી કાપી નાખી. તેમજ આરોપીઓએ અપશબ્દો બોલી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદને પગલે પોલીસે પાંચ આરોપીને ઝડપી લીધા છે.
મહિલાને માથાના ભાગે પાઈપ મારી
મોરબીના વજેપર શેરી નં.23 માં રહેતા ચંદુભાઈ બાબુભાઈ થરેસાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના પાડોશમાં રહેતા ફૈબા કાલીબેન સાથે આરોપી કરસન લખમણ કોળી, ગીરીશ નારણ સથવારા, દશરથ કોળી અને બે અજાણ્યા ઇસમો ગાળો આપી ઝઘડો કરતા હતા. ત્યારે ફરિયાદી ચંદુભાઈ થરેસા ત્યાં પહોંચતા કરશને ફૈબાના માથાના ભાગે પાઈપ મારી દીધેલો અને ગિરીશે છરાનો ઘા મારવા જતા ફૈબા હાથથી રોકવા જતા હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ફૈબાનો દીકરો મહેશ ઘરમાં હોય તેને મારવા ગયેલા અને મહેશ તેને ના મળતા આરોપીઓએ ઘરમાં રહેલી ટીવી અને કબાટમાં તલવારના ઘા મારી નુકશાન કર્યું અને ફળિયામાં મહેશનું મોટરસાયકલ પડ્યું જોઈ તેમાં તલવાર અને પાઈપના ઘા મારી નુકશાન પહોંચાડ્યું હતુ. અપશબ્દો બોલી ફૈબાને ધમકી આપી હતી અને ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશું ની ધમકી આપી ભાગી ગયા હતા. જે મારામારીના બનાવમાં ચંદુભાઈ તેના ફૈબા કાલીબેનને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા
ઘરમાં તોડફોડ કરી નુકશાન કરી
જ્યાં ફૈબાએ જણાવ્યું હતું કે, હર્ષદના દીકરા ખોડાને કરશન કોળીએ ઝાપટું મારેલો જેથી કાલીબેને ઝાપટું કેમ માર્યુ તેવું પૂછતા હથિયાર લઈને બધા ઈસમો ઘરે આવી મારામારી કરી ઘરમાં તોડફોડ કરી નુકશાન કર્યું હોવાનું જણાવ્યું હતું. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી કરશન લખમણ કોળી, ગીરીશ નારણ સથવારા (રહે બંને વજેપર શેરી નં.15 મોરબી) અને દશરથ કોળી (રહે ત્રાજપર ગામ તા. મોરબી) તેમજ બે અજાણ્યા ઈસમો એમ પાંચ વિરુદ્ધ મારામારી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી હતી. જે બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી હતી અને પાંચેય આરોપીને ઝડપી લીધા છે.
પોલીસે આરોપીને ઝડપી પાડી તપાસ હાથ ધરી
પોલીસે આરોપી કરશન લખમણ બાંભણીયા, ગીરીશ નારણ સથવારા (રહે બંને વજેપર મોરબી) તેમજ દશરથ દેવજી વરાણીયા, વિષ્ણુ પ્રહલાદ ઠાકોર (રહે બંને ત્રાજપર મોરબી) અને રાહુલ રમેશ ધામેચા (રહે વેજીટેબલ રોડ મોરબી) એમ પાંચ આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.