• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • 5 Lakh Was Spent, 41 Lakh Was Spent, The Contract For Making Speedbreaker Was Canceled After Two More Bills Were Reported.

ભાસ્કર એક્સક્લૂઝિવ:ખર્ચ કરવાનો હતો 5 લાખનો કરી નાખ્યો 41 લાખનો, વધુ બે બિલ મુક્યા પછી જાણ થતા સ્પીડબ્રેકર બનાવવાનો કોન્ટ્રાક્ટ જ રદ કર્યો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • મોરબીમાં સફાઇ અને ડ્રેનેજના કામમાં ગેરરીતિ બહાર આવતા કોન્ટ્રાક્ટ રદ કર્યા બાદ વધુ એક એજન્સીને ચીફ ઓફિસરે ઘરભેગી કરી

મોરબી પાલિકા છેલ્લા કેટલાક મહિનાથી મુખ્ય માર્ગો હોય કે શેરી ગલી હોય બધે જ આડેધડ સ્પીડબ્રેકર નાખી રહ્યા હતા. કેટલીક શેરીમાં તો 500 મીટરના અંતરે 5 થી વધુ બમ્પ ખડકી દેવાયા હતા.મોરબીના દરબારગઢથી નેહરૂગેટ ચોક વચ્ચે અગાઉથી અનેક ડામર બમ્પ લગાવેલા હોવા છતાં પ્લાસ્ટિકના બમ્પ ખડકી દેવાયા હતા. નગરસેવકો, અધિકારી સાથે બમ્પ લગાવવા અંગે કોઈપણ પ્રકારના વિચાર કર્યા વિના આડેધડ બમ્પ ખડકી દેવા અંગેની ફરિયાદ ઉઠી હતી.

જે બાદ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ તપાસ હાથ ધરી હતી, જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે 5 વર્ષ પહેલા બનાસકાંઠાની હિતેષ ત્રિવેદી નામની પેઢીને ઓફલાઇન ટેન્ડર આપ્યું હતું. જો કે તે બાદ કોઈ કાર્યવાહી ન થતા તેણે ડિપોઝીટ પરત લેવા અરજી કરી હતી.

જો કે પાલિકાએ 2020માં રૂ 5 લાખની મર્યાદામાં બમ્પ ફિટ કરવાની મંજૂરી આપી હતી અને તત્કાલીન ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ કામગીરી શરૂ કરાવી હતી. જોકે આ એજન્સીએ ટ્રાફિક પોલીસ,પાલિકાના ઈજનેર કે ટેકનિકલ ટીમને સાથે રાખ્યા વિના કે તેના કોઈ પણ પ્રકારના માર્ગદર્શન વિના બમ્પ ખડકી દઇ અલગ અલગ સમયે કુલ 41 લાખના બિલ મૂકી દીધા હતા અને તેનું ચુકવણું પણ કરી દેવાયુ હતું.

આ ચુકવણી થયેલા બીલમાં એજન્સીએ ક્યાં ક્યાં બમ્પ મુક્યા તે અંગે તપાસ કરાવી હતી તેમજ એજન્સીને નોટિસ આપી તેને ક્યાં ક્યાં કેટલા બમ્પ ફિટ કર્યા તે અંગે જીપીએસ લોકેશન સાથેની માહિતી સાથે ખુલાસો માગ્યો હતો. જો કે એજન્સીએ કોઈ ખુલાસો કર્યો ન હતો તેમજ બીજા બે બિલ મૂકી દીધા હતા. જો કે હવે એ બિલ પણ અટકાવી દેવાયા છે અને એજન્સીનો કરાર રદ કર્યો હતો.

એજન્સીને 5 વર્ષ પહેલાં ઓફલાઇન ટેન્ડરથી બમ્પ ફિટ કરવા અંગેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જો કે વર્ક ઓર્ડર ન મળતા જે તે સમયે કામ શરૂ થયું ન હતું બાદમાં પાલિકાએ વર્ક ઓર્ડર આપ્યા હતા.જો કે એજન્સી દ્વારા જે તે સમયે માત્ર ગણ્યા ગાંઠ્યા વિસ્તારમાં બમ્પ મુકવામાં આવ્યા હતા.

એજન્સીનું બિલ અટકાવ્યું છે લેખિત સંતોષજનક જવાબ હશે તો આગળ કાર્યવાહી થશેે
એજન્સીને ઓફલાઇન ટેન્ડર અપાયું હતું અને તે અંગે સામાન્ય સભામાં પણ કોઈ ઠરાવ સામે આવ્યો નથી.આ ઉપરાંત એજન્સીએ પાલિકાની સાથે કન્સલ્ટેશન કર્યા વિના કે ટ્રાફિક બ્રાન્ચને જાણ કર્યા વિના બમ્પ લગાવેલ.હોવાથી નોટિસ આપી લેખિત ખુલાસો આપવા હાલ જ્યાં જ્યાં પણ બમ્પ લાગેલ છે તેના ફોટોગ્રાફ, લોકેશન જે વિસ્તારમાં પાલિકા કાઉન્સીલર દ્વારા લેખિત સૂચના આપેલ.

છે કે કેમ વગેરે બાબતોનો ખુલાસો કરવા જણાવ્યું છે અને એજન્સીના હાલ 2 બિલ અટકાવી દેવામાં આવ્યા છે. અને જ્યાં સુધી યોગ્ય જવાબ નહિ મળે ત્યાં સુધી બિલ અટકાવશે તેમ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

ચીફ ઓફિસરનો સપાટો, અગાઉ સફાઈ અને ડ્રેનેજ કોન્ટ્રાક્ટ પણ રદ કર્યા છે
મોરબીમાં યોગ્ય સફાઈ ન થતી હોવાની ફરિયાદ ઉઠતા ચીફ ઓફિસરએ ચેકિંગ કરતા સફાઈના કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવી હોવાનું સામે આવતા કોન્ટ્રાક્ટ રદ કરાયો હતો, જે બાદ પાલિકાએ શહેરમાં સફાઇની જવાબદારી પોતે લીધી છે.હવે આ કામગીરી કેવી તેની સ્થિતિ આગામી દિવસોમાં ખ્યાલ આવી શકે છે.

આ ઉપરાંત ભુગર્ભ ગટરની કામગીરીમાં પણ બેદરકારી સામે આવતા કોન્ટ્રાક્ટ પણ રદ કરાયો છે હવે પાલિકાએ આ ત્રીજો કોન્ટ્રાક્ટ રદ કરતાં પાલિકા નક્કર કઇ કામગીરી કોઇ પણ કોન્ટ્રાક્ટ આપ્યા વિના કરાવી શકે છે તે જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...