મતદારો માટે વિશેષ વ્યવસ્થા:મોરબી જિલ્લામાં 440 મતદારો પોતાનો અમૂલ્ય મત ઘેર બેઠા આપશે

મોરબી16 દિવસ પહેલા

વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. ત્યારે મોરબી વિધાનસભામાં હરીફ ઉમેદવારોની સંખ્યા 17ના અંક પર પહોંચી છે. જેને પગલે બે બેલેટ યુનિટથી મતદાનની કામગીરી થવાની છે. આ વખતે ચૂંટણી પંચની ગાઈડ લાઈન અનુસાર 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વયોવૃદ્ધ નાગરિકો કે જેઓ મતદાન કરવા ઈચ્છે છે. પરંતુ મતદાન મથક સુધી આવવા માટે સક્ષમ નથી, એ જ રીતે દિવ્યાંગ મતદારો જેવો મતદાન કરવા ઈચ્છે છે, પરંતુ મતદાર મથક સુધી પહોંચવા માટે તેમની પાસે કોઈ વ્યવસ્થા નથી એ લોકો માટે મોરબીમાં બુથ લેવલ ઓફિસરો દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે.

ઘરે બેઠી મતદાન કરવાવાળા મતદારોની યાદી તૈયાર કરાઈ
આ સર્વે દરમિયાન દિવ્યાંગો અને વયોવૃદ્ધ મતદારોએ પોતાની અસક્ષમતા જણાવી હતી અને એવું કહ્યું હતું કે, તેમને ઘેર બેઠા જ મતદાનની સવલત પૂરી પાડવામાં આવે તો તેઓ યોગ્ય રીતે મતદાન કરી શકશે. આવા મતદારો માટે એક ચોક્કસ યાદી તૈયાર કરવામાં આવી છે અને એ યાદીને ધ્યાને લઈને 65 વિધાનસભા મોરબી મત વિસ્તારમાં કુલ 440 મતદારો નોંધાયા છે. જેમણે પોતાના ઘરે જ મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેવું તેમણે જણાવ્યું હતું.

કાયદાનો ભંગ ન થાય તેવી તકેદારી રાખવામાં આવી રહી છે
પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, 21 અને 22 નવેમ્બરના રોજ પ્રત્યેક રાજકીય પક્ષોને આ બાબતની ઝીણવટપૂર્વક જાણ કરવામાં આવી છે અને પોલિંગ ટુકડીઓ દ્વારા 440 મતદારોના ઘરે ઘરે જઈને મતદાન પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આ મતદાન પ્રક્રિયા તટસ્થ રીતે, ગાઈડલાઈન અનુસાર થાય અને તેમાં કાયદાનો કોઈ પણ પ્રકારનો ભંગ ન થાય તેની પૂરતી તકેદારી પણ રાખવામાં આવી રહી છે. તેમાં બે પોલિંગ પાર્ટી છે. તેમની સાથે એક પોલીસ જવાન, એક વીડિયોગ્રાફર અને રાજકીય પાર્ટીને જાણ કરવામાં આવેલી છે. જેથી તેઓ પણ ઈચ્છતા હોય તો, કોઈ એજન્ટને સાથે મોકલી શકે, આ પ્રક્રિયામાં મત કુટીર પણ આપેલી છે.

કોણ કોને મત આપી રહ્યા છે એ પણ ગુપ્ત રહેશે ​​​​​​​
​​​​​​​તેથી વીડિયોગ્રાફીમાં કોણ કોને મત આપી રહ્યા છે એ ગુપ્ત પણ રહી શકે. આ મુજબ 21 અને 22 નવેમ્બર દરમિયાન સમગ્ર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથોસાથ 20 નવેમ્બરના રોજ ઈવીએમનું સેકન્ડ રેન્ડમાઇઝેશન પણ કરવામાં આવ્યું હતું. 21 નવેમ્બર અર્થાત આજે પોલિટેકનિકમાં જે ડિસ્પેચ સેન્ટર છે. ત્યાં ઇવીએમમાં જે બેલેટ ફિક્સ કરવાના હતા જેને ઇવીએમનું પ્રિપેરેશન અથવા કમિશનિંગ કહેવામાં આવે છે. તે આજે અને કાલે કાર્યરત રહેશે. જેથી બેલેટ પણ તૈયાર થઈ જશે તેવું મોરબીના પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...