આગોતરી તૈયારી:મોરબી સિવિલ માટે 360 નવા ઓક્સિજન સિલિન્ડર ખરીદાશે

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સબ સલામતનો દાવો કરતા તંત્રે સ્વીકાર્યું કે બીજી લહેર વખતે ત્રુટી રહી હતી, સંભવિત ત્રીજી લહેરને હંફાવવા પૂરતી આગોતરી તૈયારી
  • મંત્રી મેરજાએ તાકીદની સમીક્ષા બેઠક યોજી, કોરોના સ્થિતિની દેખરેખ માટે પ્રભારી સચિવ તરીકે નિયુક્ત મનીષ ચંદ્રાને તાત્કાલિક હાજર થવા સૂચના

મોરબી જિલ્લામાં ડિસેમ્બર 2022ના અંતિમ સપ્તાહથી કોરોનાના કેસમાં જબરો ઉછાળો આવ્યો છે. ખાસ કરીને શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવી રહ્યા છે. મોરબી જિલ્લામાં 28 ડીસેમ્બરથી 6 જાન્યુઆરી દરમિયાન કુલ 104 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી 21 જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા હવે વહીવટી તંત્ર એક્ટીવ બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લામાં કોરોના અંગેની સ્થિતિની દેખરેખ માટે પ્રભારી સચિવ તરીકે મનીષ ચન્દ્રાની નિમણુંક કરવામાં આવી છે. જેમને સરકાર દ્વારા તાત્કાલિક મોરબી જિલ્લામાં હાજર થવા સુચના આપવામાં આવી છે.

મોરબી જિલ્લામાં આજે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર જિલ્લા આરોગ્ય અધિકારી, સિવિલ સર્જન સહિતના અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, અને કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવાની તૈયારી અંગે વહીવટી અને આરોગ્ય તંત્રની તૈયારીની સમીક્ષા કરી હતી. મીટીંગ અંગેની જાણકારી આપતા બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે 4,43,926 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

જયારે સાત મહિનામાં એક પણ દર્દીનું મોત થયું નથી. ત્રીજી લહેરને ધ્યાને લઈ 3372 બેડનું આયોજન કર્યું છે, જેમાં 750 નોર્મલ બેડ, 2378 ઓક્સિજન બેડ અને 144 આઈસીયુ અને 100 વેન્ટીલેટર બેડ તૈયાર કરવામાં આવ્યા છે. બીજી વેવમાં રહેલી ત્રુટી સુધારી લેવામાં આવે તેવી તાકીદ કરવામાં આવી છે. આ સિવાય ઓકિસજન સિલિન્ડરની પૂર્તતાની બાબતમાં તૈયારી કરી લેવામાં આવી છે અને મોરબી જિલ્લામાં હાલ 350 ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ છે. તેમજ આ ઉપરાંત વધુ નવા 360 ઓક્સિજન સિલિન્ડરની ખરીદી કરવા આદેશ કરવામાં આવ્યો છે.

જિલ્લાની 3 સિવિલ હોસ્પિટલ વચ્ચે માત્ર મોરબીમાં જ બાળનિષ્ણાત તબીબ
મોરબી જિલ્લામાં કોરોનાના ત્રીજા વેવની શરૂઆત થઈ ચૂકી હોય તેમ કેસની સંખ્યામાં ઝડપથી વધારો આવ્યો છે. ખાસ કરીને બાળકોમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી છે. હાલ 15થી 18 વર્ષના તરૂણોને વેક્સિન અપાઇ રહી છે, તો 18 થી મોટી વયના મોટા ભાગના લોકો વેક્સિન લઈ સુરક્ષિત થઈ ચૂક્યા હોવાથી, હવે જો ત્રીજી લહેર આવે તો નાના બાળકો પર કોરોનાનું જોખમ વધી શકે છે. આવા સમયે મોરબીની હોસ્પિટલમાં પૂરતા પીડિયાટ્રિક તબીબ હોવા જરૂરી છે. મોરબી સિવિલ,વાંકાનેર સિવિલ, હળવદ સિવિલ તેમજ માળીયા અને ટંકારા સીએચસી છે. જો કે આ પાંચમાંથી માત્ર મોરબી સિવિલમાં જ પીડિયાટ્રિક તબીબ છે. અન્ય એક પણ હોસ્પિટલમાં નથી.જો કોરોનાની સ્થિતિ વકરશે અને પીડિયાટ્રિક તબીબ પોતાની રેગ્યુલર ઓપીડી સંભાળશે કે કોરોના વોર્ડમાં દાખલ બાળકોને તે એક સવાલ છે. મોરબી શહેરમાં હાલ 22 ખાનગી હોસ્પિટલમાં પીડિયાટ્રિક તબીબ પ્રેક્ટિસ કરી રહ્યા છે.સરકાર દ્વારા આગોતરા આયોજન રૂપે પીડિયાટ્રિક તબીબો સાથે બેઠક યોજી તેમની સેવા લેવા અંગેનું આયોજન કરે તો છેલ્લી ઘડીએ કૂવો ખોદવા જેવી સ્થિતિ ન સર્જાય.

મોરબી જિલ્લામાં શુક્રવારે 6 વિદ્યાર્થી સહિત 34 દર્દી કોરોના સંક્રમિત બન્યા
મોરબી જિલ્લામાં શુક્રવારે કુલ 1431 લોકોના સેમ્પલ ટેસ્ટ કર્યા જેમાંથી 6 વિદ્યાર્થી સહિત 34 કેસ પોઝિટિવ આવ્યા છે.જેમાં મોરબી શહેરમાં 23 ગ્રામ્યમાં 9, અને ટંકારામાં 2 કેસ પોઝિટિવ આવ્યા. 6 વિદ્યાર્થી પૈકી ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયના 4, નિર્મલ વિદ્યાલય 1 અને સર્વોપરીમાં 1 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા હતા.બીજી તરફ મોરબીના 13 દર્દી, ટંકારામાં 1 દર્દી મળી કુલ 14 ડિસ્ચાર્જ થયા હતા.મોરબી જિલ્લામાં કુલ 124 એક્ટિવ કેસ થયા છે. આજ સુધીમાં કુલ 4,45,357 સેમ્પલ લેવાયા તેમાંથી 6647 પોઝિટિવ આવ્યા હતા જેમાંથી 6182 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. આ ઉપરાંત જિલ્લામાં શુક્રવારે 15થી 17 વર્ષના 3047 વિદ્યાર્થી 18થી 44 વયના 474૩,આ ઉપરાંત 45 વધુ વયના 1373 લોકો મળી 9163 લોકોને વેક્સિન આપી હતી.

અન્ય સમાચારો પણ છે...