ઝડપની મજા મોતની સજા:મોરબીમાં 1 વર્ષમાં 328 અકસ્માત, 235ના મૃત્યુ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝૂલતા પુલની દુર્ઘટનાના મૃત્યુઆંક કરતાં જિલ્લામાં 100થી વધુ વ્યક્તિએ ગુમાવ્યા વાહન અકસ્માતમાં જીવ

મોરબી જિલ્લામાં ઉધોગ વધવાની સાથે વાહન વ્યવહાર ખૂબ ઝડપથી વધ્યો છે. ખાસ કરીને ટ્રક પેસેન્જર વાહનોની સાથો સાથ કાર અને બાઈક સહિતના વાહનો વધ્યા છે. જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતના બનાવ સતત વધ્યા છે. મોરબી જિલ્લામાં એક વર્ષમાં 328 જેટલા જીવલેણ અકસ્માત સર્જાયા હતા.

જેમાં 235 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત 250થી વધુ લોકોને સામાન્યથી ગંભીર ઇજા પહોંચી હતી. આ ઉપરાંત પોલીસ ચોપડે ચઢી પણ નથી જેમાં સામાન્ય ઇજા કે ઇજા ન પહોંચી હોય તેવી અસંખ્ય ઘટનાઓ બની હતી. ત્યારે મોરબી જિલ્લા પોલીસ અને મોરબી રીઝનલ ટ્રાન્સપોર્ટ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાયેલા ટ્રાફિક જાગૃતિ સપ્તાહ અંતર્ગત લોકોને વાહન અકસ્માતથી બચવા નિયમનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.

મોરબી જીલ્લામાં દિન પ્રતિદિન વાહન અક્સમાતની ઘટનાઓ વધી રહી છે. વાહન ચલાવતી વખતે ચાલકો નિયમનું પાલન કરે તેવી અવાર નવાર જિલ્લા પોલીસ, રીઝનલ ટ્રાન્સપોર્ટ વિભાગ તેમજ વહીવટી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવતી હોય છે. તો સાથે સાથે જરૂર પડ્યે દંડ અને ફરિયાદ જેવી કાર્યવાહી કરાતી હોય છે.

તેમ છતાં મોરબી જિલ્લામાં વાહન અકસમાતની સંખ્યામાં વધારો થતો રહે છે. મોરબી જિલ્લામાં વર્ષ 2022માં 328 જેટલા નાના મોટા અકસ્માતના બનાવ બન્યા હતા. જેમાં 235 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો 250 થી વધુ લોકોને સામાન્યથી લઈ ગંભીર ઇજા પહોંચી હતી. આ ઉપરાંત એવી કેટલીય ઘટના બની હતી જેમાં સામાન્ય ઇજા પહોંચી હોય અને વાહન ચાલકોની સહમતિને પગલે કેસ પોલીસ મથકે પણ પહોંચ્યો નથી.

દુર્ઘટના સે દેર ભલી સૂત્ર બેનર પૂરતું જ મર્યાદિત, અકસ્માતમાં 250થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા
મોરબી હાઈવેના જોખમી વળાંક અકસ્માતો નોતરે છે
વાંકાનેર સામખિયારી નેશનલ હાઇવે પર સુરજબારી બ્રીજ, હરીપર પાટિયા પાસેની ગોળાઈ, ગાળા ગામ નજીક રફાળેશ્વર , ધૂવા ચોકડી વાંકાનેર બાઉન્ડ્રી સહિતના વિસ્તારો, મોરબી ટંકારા રાજકોટ હાઇવે, મોરબી જેતપર અનિયારી માર્ગ સહિતના મોરબી હળવદ રોડ જામનગર માળિયા અમદાવાદ પર આમરણ દૂધઇ ચોકડી પીપાળિયા ચોકડીથી મોટી બરાર સુધીનો માર્ગ અનિયારી ટોલનાકાની આસપાસ સહિતનો વિસ્તાર મોરબી નવલખી હાઇવે વાંકાનેર બાઉન્ડ્રીથી રાજકોટ હાઇવે સહિતના અનેક માર્ગો અકસ્માત ઝોન બન્યા છે.

અકસ્માત થવા પાછળના મોટા કારણો
1) રાત્રીના સમયે કે વહેલી સવારે ડ્રાઈવરને ઝોકું આવતા અકસ્માત
2) ડ્રાઈવર ઓવર સ્પીડમાં અથવા સ્ટિયરિંગ પર કાબુ ગુમાવવા
3) હાઇવે પર બંધ પડેલા વાહનો પાછળ બીજું વાહનો ઘૂસી જવાથી ઇજા
4) વાહન પાણી ભરેલી કેનાલ કે ખાડામાં પડવાથી
5) ટ્રક કે ભારે વાહનની બાઇક કે કાર ને ઠોકર મારવાથી થતા અકસ્માત

ટ્રાફિક નિયમન અંગે જાગૃતિ લાવવા માર્ગ સલામતી સપ્તાહનું આયોજન
મોરબીમાં પણ તા 11થી 17 સપ્તાહ સુધી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે મોરબીના શનાળા રોડ પર આવેલ પોલીસ ચોકી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રસ્તા પરથી નીકળતા બાઈક સવાર લોકોને હેલ્મેટ પહેરવા, કાર સવાર લોકોને સીટ બેલ્ટ પહેરવા, પેસેન્જર વાહન ચાલકોને નિયમ કરતા વધુ પેસેન્જર ન ભરવા તેમજ ગતિ મર્યાદા કરતા વધુ વાહન ન ભરવા સહિતની માહિતી આપી હતી. સાથે સાથે વાહન ચાલકોનું ફૂલ આપી સ્વાગત કરાયું હતું. આ તકે ડે. કલેકટર દેવેન્દ્રસિંહ ઝાલા આરટીઓ ઇન્સ્પેકટર રોહિત પ્રજાપતિ, ડીવાયએસપી ગોસ્વામી, મોરબી ટ્રાફિક પીઆઈ સોલંકી સહિતના અધિકારી અને શહેરીજનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...