તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વરસાદ ખેંચાતા માળિયા પંથકમાં 30% વાવણી નિષ્ફળ

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેતરો લીલાછમ નહીં, સૂકાભઠ ભાસે છે - Divya Bhaskar
ખેતરો લીલાછમ નહીં, સૂકાભઠ ભાસે છે
  • મોરબી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નથી પરંતુ સિંચાઇ માટે પાણી ઓછું પડતાં વાવણી કરી ચૂકેલા ખેડૂતો બેહાલ

મોરબી જિલ્લાના છેવાડે આવેલા માળિયા મિયાણા તાલુકામાં ખેતીની હાલત નબળી બનતી ચાલી છે. કેમકે તાઉતે વાવાઝોડા બાદ થોડા ઘણા ઝાપટાંને પગલે અહીં કિસાનોએ હોંશભેર વાવણી કરી નાખી હતી અને એ વાતને ખાસ્સો સમય વીતી જતાં પાક મુરઝાવા લાગ્યો છે અને આ પંથકમાં 30 ટકા વાવણી નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. ખાસ કરીને એવા ગામ અને વિસ્તાર કે જ્યાં સિંચાઇની વ્યવસ્થા નથી તેવા કિસાનોના મોં પર ચિંતાના વાદળો ઘેરાયા છે.

મોરબી અને માળિયા-મિયાણા પંથકના ઘણા ગામોમાં સિંચાઇની વ્યવસ્થા નથી તેથી ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે આજથી અઢી સપ્તાહ પહેલા પડેલા એક ઝાપટાંને પગલે ઘણા ખેડૂતોએ વાવણી કરી નાખી છે પરંતુ ત્યાર બાદ વરસાદ ન પડતાં ખેડૂતોની હાલત દયનીય બની ગઇ છે.

મોરબી જિલ્લામાં ગત બે ચોમાસામાં વધુ વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની થઈ હતી, ત્યારે ચાલુ વર્ષે હજુ સુધી વરસાદ ન આવતા જગતનો તાત મુંઝાઈ ગયો છે. મોરબી તથા માળિયા-મીયાણા તાલુકામાં બીટી કપાસ, મગફળી, તલી, મગ, અડદ, જુવાર તથા બાજરીનું મુખ્ય વાવેતર કરાયું છે પરંતુ વાવણીના બે થી અઢી અઠવાડિયા વીતવા છતાં વરસાદ ન આવતા અંકુરિત થયેલો ૩૦ ટકા જેટલો પાક નિષ્ફળ ગયો છે અને હજુ જો ત્રણ દિવસમાં વરસાદ ન થાય તો આ બધો પાક સુકાઈ જશે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. મહત્વની બાબત એ છે કે અહીં પીવાના પાણીની તકલીફ નથી પરંતુ સિંચાઇની કોઇ સગવડ ન હોવાથી ખેડૂતો લાચાર બની ગયા છે.

મચ્છુ-3 ડેમમાંથી પાણી દેવા ભૂંગળા નંખાયા, વિતરણ ક્યારે?
અમારા ગામમાં 13000 વીઘા જમીન છે અત્યાર સુધીમાં ચાલુ વર્ષે ત્રણ રેડા પડયા છે જેના કારણે ૭૦ ટકા ખેડૂતોએ વાવણી કરી નાખી છે. મોટાભાગનાએ કપાસ મગફળી તલ જુવાર બાજરો વાવ્યો છે. બે વર્ષથી મચ્છુ 3 ડેમથી પાણી માટેના ભૂંગળા નંખાઈ ગયા છે પણ હજુ પાણી આવતું નથી જો એક અઠવાડિયું વરસાદ નહીં આવે તો ખેડૂતો પાયમાલ થઈ જશે. > સુંદરજીભાઈ કાવર, સરવડ, ખેડૂત

મોંઘું બિયારણ વાવ્યું, હવે શું થશે?
ગામમાં 4500 વિઘા જમીન છે. અહીંયા કપાસ તલી તથા મગફળીનું વાવેતર કરાયું છે. 19 દિવસ પહેલા વરસાદ થયો હતો મોંઘા ભાવનું બિયારણ વાવ્યું પણ વરસાદ ન થતા ઉગેલો પાક સુકાઇ રહ્યો છે અહીંથી ૫ કિલોમીટર દૂર કેનાલ છે પણ અમને પાણી મળતું નથી, હવે શું થશે એ ચિંતા સતાવી રહી છે. > રમણીકભાઈ બાવરવા, ચાંચાવદરડા, ખેડૂત

પાક વીમો પણ અમને તો મળતો નથી
ગામમાં 6500 વીઘા જમીનમાં ખેતી થાય છે. અમે કપાસ મગફળી તલી અને જુવાર વાવ્યા છે. 17 દિવસ પહેલા બે વરસાદ થયા હતા પરંતુ વાવણી પછી એક પણ વરસાદ થયો નથી પાક વીમો પણ મળતો નથી જેના કારણે ગામમાં ૧૧૦૦નું વોટીંગ છે પરંતુ વસ્તી હવે 700 ની જ રહી છે. > જગદીશભાઈ સુવારિયા, તરઘરી, ખેડૂત

મગફળી, તલી, જુવાર, કપાસ અને અડદ વાવ્યા પણ ઉગે તો સારું
અમારા ગામમાં ૧૧૦૦ વીઘા જમીન છે. જેમાં બધાએ વાવણી કરી નાખી છે. મુખ્યત્વે મગફળી, તલી, જુવાર, કપાસ અને અડદનું વાવેતર કર્યું છે. ૩૦ ટકા પાક સુકાઈ ગયો છે અઢી કિલોમીટર દૂર મચ્છુ-૨ કેનાલ હોવા છતાં પાણી મળતું નથી. પાક વિમો બંધ છે તે ઉપરાંત નીલગાય અને ભુંડનો પણ ખુબ ત્રાસ છે. > હસમુખભાઈ આદ્રોજા, પીપળિયા, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...