દર્દીઓને રાહત:મોરબી સિવિલ હોસ્પિટલમાં નિયુક્ત થયેલા 30 તબીબ હાજર, નવા વોર્ડમાં ઓપીડી શરૂ

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 નવા તબીબ ઉપરાંત ટેક્નિકલ સ્ટાફની ભરતી કરી દેવાતાં ઘટની સમસ્યા ઉકેલાઇ, કુલ બેડની સંખ્યા વધારીને 330 કરાશે
  • જિલ્લાની મેડિકલ કોલેજ ઓક્ટોબરથી કાર્યાન્વિત કરવાની તંત્રની તૈયારીની સમીક્ષા બેઠકમાં કલેક્ટર, મંત્રી મેરજાએ સૂચનો કર્યા

તે લાંબી ઇંતેજારી બાદ હવે મોરબીમાં મેડિકલ કોલેજ શરૂ થવા જઇ રહી છે. હાલ ગિબ્સન મિડલ સ્કૂલમાં મેડિકલ કોલેજ શરૂ કરવાને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તો મોરબી સિવિલ હોસ્પિટલમાં પણ ધરખમ સુધારા ચાલી રહ્યા છે. અને વિવિધ વોર્ડની સંખ્યા અને બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે, અને કુલ બેડની સંખ્યા 330 જેટલી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત લાંબા સમયથી જે વિભાગ તબીબની ઘટના કારણે ખાલી પડ્યા હતા તે ભરાવા લાગ્યા છે.

સિવિલમાં 30 નવા ડોકટર ઉપરાંત ટેક્નિકલ સ્ટાફની પણ ભરતી થઈ જતા હવે નવા વોર્ડમાં ઓપીડી પણ શરૂ થવા લાગી છે. નવા વોર્ડમાં નાક, કાન, ગળા, ઓર્થોપેડિક, બાળરોગ નિષ્ણાંત સહિતના તબીબ ઓપીડી લઈ રહયા છે. આ ઉપરાંત સોનોગ્રાફી મશીન વર્ષોથી રેડિયોલોજીસ્ટ વાંકે ધૂળ ખાઈ રહ્યું હતું તે શરૂ કરવામાં આવ્યું છે અને સોનોગ્રાફી પણ શરૂ કરવામાં આવી રહી છે.

રાજ્યમંત્રી મેરજાએ મેડીકલ કોલેજ આ વર્ષે 100 સીટ સાથે ચાલુ કરી શકાય તે માટે જિલ્લા વહીવટતંત્રની કામગીરીની સરાહના કરી હતી. વધુમાં મેડીકલ કોલેજ સંદર્ભે ઇન્ફાસ્ટ્રક્ચર, વ્યવસ્થાઓ, હોસ્ટેલ, પ્રોફેસરના રહેણાંક વગેરે બાબતોની સમીક્ષા કરી હતી. આરોગ્ય રોગી કલ્યાણ સમિતિ બાબતે મંત્રીએ મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓપીડી, ડિલિવરી વગેરે હેઠળ ગત માસે તેમજ એવરેજ દર્દીઓની વિગતો અંગે પણ મંત્રીએ ચર્ચા વિચારણા કરી હતી.

મોરબી શહેરની ગિબ્સન સ્કૂલ ખાતે અદ્યતન લેબ સહિતનું માળખું તૈયાર

શહેરની ગિબ્સન મિડલ સ્કૂલ ખાતે શરૂ થનારી કામચલાઉ મેડિકલ કોલેજમાં અદ્યતન લેબોરેટરી સહિત મેડિકલ કોલેજને અનુરૂપ માળખુ તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્ષથી મેડિકલ કોલેજ શરૂ થઈ જાય તે માટે શક્ય હોય એટલી તમામ તબીબી સહિતની સવલતો ઉભી કરવામાં આવી છે.

તેમજ સિવિલ હોસ્પિટલમાં પણ ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. હાલ મેડિકલ કોલેજ તેમજ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહેલી કામગીરીની રાજયમંત્રી દ્વારા સમીક્ષા કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે સરકારે અને નેતાઓએ મોરબીને જ મેડિકલ કોલેજ મળે તે માટ મહેનત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...