મોરબીની રહેવાસી સગીરાને એક ઇસમે ફેક ઇનસ્ટાગ્રામ આઈડી બનાવી પ્રેમજાળમાં ફસાવી રૂપિયાની માંગણી કરી હતી અને બીભત્સ ફોટો મેળવી બ્લેકમેલ કરી હતી. તેમજ અન્ય બે આરોપીઓએ પણ અશ્લીલ વીડિયો બનાવી ધમકી આપી અલગ અલગ સ્થળે લઇ જઈને દુષ્કૃત્ય આચરી રૂપિયા પડાવ્યા હતા. જે બનાવને પગલે ગત તા. 7/5/2022ના રોજ પોલીસે ફરિયાદ નોંધી આરોપી મિત શીરોહિયા, આર્યન સોલંકી અને હર્ષ ઉર્ફે જીગો સાણંદીયા એમ ત્રણ ઇસમોને ઝડપી લઈને રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ કરી હતી. તેમજ પોલીસે ગુનામાં વપરાયેલા મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આરોપીઓ વિરુદ્ધ ગુનાની એફ.આઈ.આર ઉપરાંત ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરેલું તે સ્થળનું ડેમોસ્ટ્રેશન પંચનામું, બનાવમાં ઉપયોગ કરેલ મોબાઈલ કબજે કર્યાનું પંચનામું, બનાવમાં વાપરવામાં આવેલ અલ્ટો કાર કબજે કર્યાનું પંચનામું સહિતના પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા અને પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. જે કેસ ડી.પી. મહીડાની કોર્ટમાં સ્પેશિયલ પોક્સો કોર્ટ મોરબીમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજય.સી. દવેએ કોર્ટમાં 21 મૌખિક પુરાવા અને 45 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જેને ધ્યાને લઈને સ્પેશિયલ પોક્સો કોર્ટે ત્રણેય આરોપીઓને કસુરવાર ઠેરવ્યા હતા.
ગુનામાં કસુરવાર ઠરેલા આરોપી મિત સીરોહિયાને જાતીય ગુણોથી બાળકોના રક્ષણ અધિનિયમ 2012ની કલમ 3 (એ), 4માં 7 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ 10,000 દંડ અને દંડ ભરવામાં નિષ્ફળ જાય તો 6 માસની સખ્ત કેદની સજા તેમજ પોક્સો એક્ટની કલમ 12માં ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ રૂ. 5000 અને દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની સજા ફટકારી છે. જયારે આરોપી હર્ષ ઉર્ફે જીગો સાણંદીયાને પોક્સો એક્ટની કલમ 3 (એ) 4માં 10 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. 15,000 દંડ અને દંડ ભરવામાં નિષ્ફળ જાય તો 9 માસની સજા ફટકારી છે. જયારે આર્યન સોલંકીને આઈપીસી કલમ 376 (2) (જે), 376 (3)ની સાથે પોક્સો એક્ટની કલમ 3 (એ) 4માં 20 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ 20,000નો દંડ અને દંડ ભરવામાં નિષ્ફળ જાય તો 1 વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.