ચોરી:મોરબીના રવાપરના રહેણાકમાંથી 2.73 લાખના મુદ્દામાલની તસ્કરી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરધણી આરામથી સૂતા રહ્યા અને તસ્કરોને થયો ધનલાભ

મોરબી તાલુકા અને શહેરમાં ચોરીના વધતા બનાવોએ પોલીસની નીંદર હરામ કરી દીધી છે. ઘરધણીની ઉંઘમાં જરા પણ ખલેલ પહોંચાડ્યા વગર તસ્કરો પોતાનું કામ તમામ કરી રહ્યા છે અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે કે રોક સકો તો રોક લો. અને પોલીસ ટીમ પણ સીસીટીવી ફૂટેજ, આડોસપડોશના લોકોની પૂછપરછ અને બાતમીદારોના અાધારે આરોપી સુધી ક્યારેક ક્યારેક પહોંચી શકતી હોય છે. અને ક્યારેક જ મુદામાલ રીકવર કરવામાં પોલીસને સફળતા મળતી હોય છે.

મોરબીના રવાપર નદી ગામે મેલડી માતાના મંદિર પાસે રહેતા પરિવારના મકાનમાં તસ્કરો રાતના સમયે ત્રાટક્યા હતા અને ઘરધણીને સૂતા રાખીને સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત 2.73 લાખનો મુદામાલ સેરવી જતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ દ્વારા આ ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ બનાવની મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના રવાપર નદી ગામે મેલડીમાંના મંદીર પાસે દરબારગઢ નજીક ખુમાનસિંહ મોબતસિંહ ઝાલાના રહેણાંક મકાનમાં રાતના સમયે સુતા હતા.

તે દરમિયાન તસ્કરોએ ધામા નાખ્યા હતા અને તેના મકાનમાં પ્રવેશ કર્યો હતો અને બેડરૂમ રહેલી તિજોરીનું તાળું તોડ્યું હતું અને તેમાં રહેલા રૂ.1.12 લાખના સોના ચાંદીના દાગીના, રોકડા 1.61 લાખ મળી કુલ રૂ.2.73 લાખના મુદામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરીના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ અંગે વધુ તપાસ પીઆઈ વી.એલ. પટેલે હાથ ધરી છે. પોલીસે આસપાસના ઘરોના ફૂટેજના આધારે ચોરોની ઓળખ મેળવી તેમનું પગેરું દબાવી ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...