એ ગ્રેડની પાલિકાની કામગીરી ઢીલી:મોરબીમાં ચોમાસું ઢૂંકડું છતાં 25 % પ્રિ-મોન્સૂન કામ બાકી

મોરબી8 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 75 ટકા કામ પૂર્ણ થયાનો મોરબી પાલિકાનો દાવો: આગામી સપ્તાહમા તમામ કામ આટોપી લેવાની તંત્રની ખાતરી
 • ડ્રેનેજ અને વોંકળાની સફાઇ દરમિયાન પ્લાસ્ટિક, કાચ સહિતની જોખમી અને વરસાદી પાણી નિકાલ અટકાવતી ટનબંધ સામગ્રી નીકળી પડી

સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની એ ગ્રેડની મોરબી નગર પાલિકા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોનસૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે અગાઉના વર્ષો કરતા આ વખતે પાલિકાએ કોન્ટ્રાક્ટરના ભરોસે રહેવાને બદલે ખુદ પોતાની જવાબદારીથી વોંકળા સફાઈ, ભૂગર્ભ લાઈન બદલવા સહિતની અલગ અલગ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને 75 ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે બાકીની કામગીરી 1 સપ્તાહ સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. મોરબી શહેરમાં હજુ ચોમાસનું આગમન થયું ન હોવાથી જાણે પાલિકાને કામગીરી માટે એક સપ્તાહ વધુ મળ્યો છે.

કાચ અને પ્લાસ્ટિકથી વોંકળા તરબતર
વોકળા સફાઈના સુપરવાઈઝર હિતેશ રવેશિયાના જણાવ્યુ કે વોકળામાં પ્લાસ્ટિક બોટલ, ઝબલા તૂટેલા રમકડાં કે તૂટેલ ઘરગથ્થુ સામાન નીકળી રહ્યો છે કાચ અને લોખંડ જેવા જોખમી કચરાનું પ્રમાણ પણ જોવા મળ્યું છે. આવા કચરો વોકળામાં તેમજ ભૂગર્ભ લાઈનમાં જવાથી લાઈન ચોક અપ થાય છે.જેથી પાણી નિકાલનો રસ્તો બંધ થવા લાગે છે પરિણામે જે પાણી વરસાદ રહ્યાના 1 થી 2 કલાકમાં વહી જવુ જોઈએ તે જતું નથી. લોકો 50 માઇક્રોનથી નાની જાડાઈના ઝબલાનો ઉપયોગ બંધ કરે,તેમજ પાણીની બોટલ, પાન મસાલાના કાગળો, નાના મોટા પ્લાસ્ટિક કાચ જેવું કચરા ગટર કે વોકડામાં ફેકવાને બદલે ડોર ટુ ડોર વાહનમાં નાખવાનો આગ્રહ રાખે તેવી અપીલ કરીએ છીએ.

ભૂગર્ભની સફાઇ માટે સક્શન મશીન મગાવાયું
પાલિકા દ્વારા વોંકળાઓમાં જેસીબી હિટાચી મશીન તેમજ કેટલીક જગ્યાએ કામદારો દ્વારા પણ કચરો કાઢી સફાઇ કરવામાં આવ્યા છે આ જ રીતે ભૂગર્ભ ગટરની સફાઈ માટે સુપર સકશન મશીન મંગવાયું છે અને તેનાથી શહેરની મુખ્ય ભૂગર્ભ ગટરની લાઈન પણ સફાઈ કરવામાં આવી રહી છે. આજ દિન સુધીમાં આ મશીનથી વાઘપરા મેઇન વિસ્તાર, ચિત્રકુટ વિસ્તાર,શનાળા રોડ નવા બસ સ્ટેશન વિસ્તારમાં સફાઇ કરાઈ છે. આ ઉપરાંત પાલિકાએ જેટિંગ મશીન વસાવી ભૂગર્ભ લાઈનની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.

ચાર ઈમારતનો જોખમી ભાગ ઉતારવા નોટિસ
મોરબીમાં પ્રિ મોનસૂન કામગીરી અંતર્ગત ગેસ્ટ હાઉસ રોડ વિસ્તારમાં જોખમી રીતે ઉભી હોય તેવી 2 ઈમારત, મહેન્દ્ર પરામાં એક અને ત્રિકોણબાગ નજીક એક એમ ચાર ઇમારતોને જોખમી ગણી વહેલી તકે ખાલી કરવા અને જોખમી ભાગ ઉતારી લેવા સુચના આપવામાં આવી છે. ઉપરાંત મોરબીનો જર્જરિત ટાઉનહોલ બંધ કરી દેવાયો છે.

ચાર વોંકળામાં સફાઇ કામગીરી ચાલુ છે

 • મોરબી રવાપર રોડ કેનલચોકડીથી પંચવટી સુભાષનગર,નરસંગ ટેકરીથી સાયન્ટિફિક રોડ વજેપર નાલા, જય હિન્દ ટાઇલ્સ પાછળ.
 • શનાળા રોડ દતાત્રેય મંદિરથી રામ ચોક નાલાથી નાગરિક બેન્ક, વાઘપરા નાલાથી વણકર વાસથી મચ્છુ નદી સુધી,
 • બિસ્મિલા હોટેલથી બુઢાવાળી લાઈન ખાખરેચી દરવાજા સુધી
 • વાવડી રોડ આસ્વાદ પાનથી મહેન્દ્ર પરાથી બાયપાસ સુધી.
 • લોહાણાપરાથી પોલીસ લાઈન વજેપર નાલું
 • અંબિકા રોડથી રામ પાર્ક રેલવે કોલોની નવલખી ફાટકથી ધૂતારી નાલા
 • સો ઓરડી ભઠાવાડી લાઈનથી સાયન્સ કોલેજ સામે ભાગ
 • પરશુરામ પોટરીથી રાજપૂત બોર્ડીંગ એલ કોલેજ ગ્રાઉન્ડ બાજુથી રેલવે વર્ક શોપથી નદી સુધી
 • વીસી હાઈસ્કૂલથી ગર્લ્સ હાઈસ્કૂલ પ્રજાપત રોડ ધોળેશ્વર નદીના ઢાળ સુઘી
 • શનાળા રોડ ઘુતારી નાલું,
 • સર્કિટ હાઉસ સામે વોકળો,
 • પંચાસર રોડ ગીતા ઓઇલ મિલ સામે
 • પ્રધાન મંત્રી આવાસ યોજના નજીક વોકળો
 • શોભેશ્વર રોડ રચના સોસાયટી નાલુ
અન્ય સમાચારો પણ છે...