વિધાનસભા સંગ્રામ 2022:મોરબી બેઠક પર 25% વર્ચસ્વ પાટીદારોનું , જીત માટે કોળી, સતવારા, દલિતોના મત નિર્ણાયક બનશે

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના લઘુમતી સમુદાયના 13 ટકા મતદારોની હિસ્સેદારીને પોતાના તરફ વાળવા રાજકીય પક્ષોની કવાયત

રાજ્યની 182 બેઠકોની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર થતાંની સાથે એક તરફ ચૂંટણી તંત્રે તમામ તૈયારી પૂર્ણ કરી દીધી છે તો બીજી તરફ રાજકીય પક્ષોના ઉમેદવાર જાહેર થતાંની સાથે હવે ચૂંટણી માહોલ જામી રહ્યો છે. ત્યારે મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં પણ ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ હવે 17 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. હવે આ ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર થવાની છે ત્યારે દરેક ઉમેદવાર દરેક સમાજ અને ધર્મના મતદારોના મત મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આ બેઠક પર કઈ સમાજના મતદારો ક્યાં ઉમેદવાર પર રીજે તે જોવાનું રહ્યું છે

મોરબી બેઠક પર પાટીદાર મતદારોનું વર્ચસ્વ રહ્યું છે. આ બેઠક પર નોંધાયેલા મતદાર 2, 86 686 મતદારોમાંથી લગભગ 25 ટકા મતદારો એટલે કે 78, 406 પાટીદાર સમાજના છે .આ મતદારો ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી મતદાન જોવા મળ્યું છે ભૂતકાળમાં 2017 માં પાટીદાર અનામત આંદોલન વખતે મોટાભાગના મતદારો કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતું. આ પહેલા આ મતદારો ભાજપ તરફથી જોવા મળ્યા હતા તો આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન પાટીદાર મતદારો પોતાના તરફ વળે તે માટે ત્રણ પાર્ટીએ પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી છે.

જ્ઞાતિનો ઝુકાવ ક્યા ‘પક્ષે’ રહે એ જોવાનું!
માળીયા બેઠક પર અન્ય જ્ઞાતિઓની વાત કરીએ તો પાટીદાર સમાજ બાદ બીજા ક્રમે કોળી સમાજની મત બેંક મોટી છે. કોળી સમાજ મોરબી માળિયા બેઠક પર લગભગ 14% કરતાં પણ વધુ મત બેંક ધરાવે છે. તેઓના નોંધાયેલા મતદારોની સંખ્યા 27 949 જેટલી છે અને આ મતદારો મુખ્યત્વે કોંગ્રેસ તરફી મતદાન કરતા જોવા મળ્યા હતા. ત્યારે આ મતદારો ભાજપને મત આપે છે કે કોંગ્રેસને તે નક્કી કરવું મુશ્કેલ.

ઝૂલતા પુલની દુર્ઘટનાનો રોષ ભાગ ભજવે તો નવાઇ નહીં
મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા છે.અને આ ઘટનામાં હજુ પોલીસે અને સરકાર દ્વારા આરોપીઓ પર કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપ થયા છે . જો કે સમયસર પગલાં લેવામાં આવ્યા નથી જેનાં કારણે ક્યાંક આંતરિક વિરોધ છે, ઉમેદવારોમાં આ દુર્ઘટનાની અસરો મતદાન પર થાય તેવો છૂપો ડર છે.

આ કારણે ‘મત’ની ગણતરી ઊંધી પડી શકે
સસ્પેન્સ 1 - મોરબી માળિયા વિધાનસભા બેઠક પર 26675 મતદારો સતવારા જ્ઞાતિના છે તો 23,766 દલિત સમાજના મતદારો છે ત્યારે આ બંને સમાજના મતદારો મળી કુલ 17 ટકાની આસપાસ થાય છે અને બંને જ્ઞાતિઓ હજુ કયા પક્ષ તરફ ઢળશે તે હજુ સસ્પેન્સ છે.

સસ્પેન્સ 2 - લઘુમતી સમાજના 13 ટકા એટલે કે 37436 મતદારો છે, અને આ પરંપરાગત રીતે કોંગ્રેસ તરફી હોવાનું માનવામાં આવે છે. જો કે ગત વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો તરફ વળતા કોંગ્રેસને નુકશાન થયું હતું. હવે 37436 મતદારોમાંથી કેટલા અપક્ષ તરફ વળે છે એ જોવાનું રહ્યું.

સસ્પેન્સ 3 - આ બેઠકમાં આહિર સમાજ,ક્ષત્રિય,બ્રાહ્મણ દેવીપૂજક સહિતના અનેક સમાજના પણ 92 454 જેટલા મતદારો નોંધાયા છે અને તેમાં ચોક્કસ પક્ષ તરફ વલણ જોવા મળતું નથી જેથી આ 92 હજાર મતદારો ક્યાં પક્ષ તરફ મતદાન કરશે તે 1 ડિસેમ્બરના મતદાન અને મત ગણતરી મુજબ ખ્યાલ આવશે.

અન્ય સમાચારો પણ છે...