વરવી વાસ્તવિકતા:મોરબી જિલ્લાની 187 આંગણવાડી પાસે પોતાનું મકાન નથી, અમુકની સ્થિતિ જર્જરિત

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારના દાવા અને દેખાડા સામે આ છે વરવી વાસ્તવિકતા
  • કુમળા માનસમાં શિક્ષણ પ્રત્યેની રુચિ આવા માહોલમાં કઇ રીતે જાગે?
  • જિલ્લામાં કુલ મળીને 761 આંગણવાડી કાર્યરત છે જેમાંથી137 ભાડાના મકાનમાં તેમજ 55 અન્ય સરકારી કચેરીમાં ચાલે છે

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિરોધ પક્ષ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી રાજય સરકારને શિક્ષણ અને આરોગ્ય બાબતમાં ઘેરી રહી છે. આમ આદમી પાર્ટી અલગ અલગ શાળાઓ અને આંગણવાડીઓના ફોટો અને દિલ્હીની શાળાઓના ફોટો જાહેર કરી સરકારે 20 વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે જે કામગીરી કરી તે સફળ રહી હોવાના દાવા કરી રહ્યું છે તો સરકાર પોતાની ઉપલબ્ધિના ગાણા ગાઈ રહી છે.

સરકાર શાળા કોલેજમાં વર્ષે કરોડોનો ખર્ચો કરી શિક્ષણ ઉચ્ચ કક્ષાનું કર્યાના દાવા કરવામાં આવી રહ્યા છે.તેમ છતાં અવાર નવાર અનેક શાળાઓ જર્જરિત હોવાના કે બાળકો જોખમી બાંધકામમાં ભણતા હોવાના અહેવાલ મળતા રહે છે. મોરબી જિલ્લામાં પણ આંગણવાડીઓની સ્થિતિ પણ આનંદ આપે તેવી બિલકુલ નથી. કારણ કે આજની સ્થિતિએ પણ મોરબી જિલ્લામાં હાલ 761 આંગણવાડી કાર્યરત છે.

જેમાંથી 187 આંગણવાડી પાસે હજુ પોતાના મકાન નથી. જિલ્લાની 137 આંગણવાડી હજુ ભાડાના મકાનમાં ચાલે છે તો 55 આંગણવાડી પ્રાથમિક શાળા,ગ્રામ પંચાયતની જૂની બિલ્ડીંગ અથવા સરકારી કચેરીઓમાં ચાલે છે. આ 137 માંથી અનેક બિલ્ડીંગ માટે ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ હોવા છતાં કામગીરી શરૂ થઈ નથી જેના કારણે બાળકોને પોતાનું મકાન મળી શકતું નથી.

હાલ રાજ્યમાં નગરપાલિકા વિસ્તારમાં પાલિકાને આંગણવાડી બનાવવાની જવાબદારી આપી છે તો ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને આંગણવાડીની જવાબદારી આપવામાં આવી છે. જો કે હાલ નગરપાલિકા તેમજ ડીઆરડીએ આંગણવાડી બનાવવાની કામગીરીમાં આળસ દાખવી રહી છે જેના કારણે નાના ભૂલકાઓ ભાડાના મકાનમાં અથવા અન્ય કોઈ સ્થળ પર બેસવા મજબુર બન્યા છે.

મોરબી તાલુકાની 52 આંગણવાડી ભાડાના મકાનમાં
મોરબી જિલ્લામાં આમ તો દરેક તાલુકામાં આંગણવાડીમાં ભાડાના મકાન કે અન્ય સ્થળ પર ચાલે છે તેમાં સૌથી વધુ મોરબી શહેર અને તાલુકામાં સ્થિતિ ખરાબ છે.મોરબી શહેર અને તાલુકાની મળી કુલ 227 આંગણવાડી છે જેમાંથી 52 ભાડાના મકાનમાં જ્યારે 7 અન્ય મકાનમાં ચાલે છે તો હળવદની 135 આંગણવાડીમાંથી 29 ભાડાંમાં 6 અન્ય સ્થળ પર ચાલે છે.

ટંકારા 75માંથી 3 ભાડાના મકાનમાં અને 10 અન્ય સ્થળ પર ચાલે છે માળીયાની 93માંથી 20 ભાડામાં અને 3 અન્ય સ્થળ પર ચાલે છે. વાંકાનેર તાલુકામાં 231 માંથી 8 ભાડાના મકાનમાં જ્યારે 22 અન્ય સ્થળ પર આંગણવાડી ચાલે છે. 761 આંગણવાડી છે જેમા 137 ભાડાના મકાનમાં અને 55 અન્ય જૂની સરકારી ઓફિસ કે પ્રા. શાળામાં ચાલે છે.

મનરેગાના મજૂર ન મળતા આંગણવાડીનું કામ ન થયું!
મોરબી તાલુકાની આંગણવાડી મંજૂર થઈ ચૂકી છે છતા કામ શા માટે શરૂ ન કર્યું તો તેમાં એવુ કારણ સામે આવ્યું કે મનરેગાના મજુર ન મળતા કામ શરૂ થયું નથી.પીપળિયા, મકનસર, પ્રેમજીનગર,પીપળી, માધાપર ઇન્દિરાનગર ત્રાજપર પંચાયત વિસ્તારમાં 2 આંગણવાડીનું કામ મંજુર થયું હોવા છતાં અટકેલું છે.

અન્ય સમાચારો પણ છે...