મોરબી શહેરમાં સિટી એ-ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીને આધારે નવા ડેલા રોડ પર રહેણાંક મકાન અને કુંભાર શેરીમાં ખંડેર મકાનમાં દરોડા પાડીને વિદેશી દારૂની કુલ 180 બોટલ કબજે કરી છે. જ્યારે રેઇડ દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે તેની ધરપકડ કરવા કવાયત હાથ ધરી હતી.
રહેણાંક મકાનની તલાશી લીધી
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, સિટી એ-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, નવાડેલા રોડ અશોક પાનની બાજુમાં રહેતા આરોપી હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંત ધોળકીયા પોતાના મકાનમાં તથા કુંભાર શેરીમાં આવેલા બંધ ખંડેર મકાનમાં વિદેશી દારૂનો વેપલો ચલાવે છે. જેના આધારે પોલીસે પ્રથમ નવાડેલા રોડ પર આરોપી હિતેષના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. એ સમયે આરોપી ઘટના સ્થળે હાજર ન હતો. જેને પગલે પોલીસે તેના રહેણાંક મકાનની તલાશી લીધી હતી.
આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન
જેમાં વિદેશી દારૂની રૂપિયા 22,500ની કિંમતની 60 નંગ શીલ પેક બોટલો મળી આવી હતી. તેમજ કુંભારશેરીમાં ખંડેર મકાનમાં પણ દારૂ સંતાડી રાખ્યો હોય તેવી માહિતી મળતા પોલીસની તપાસ દરમિયાન ત્યાં પણ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ નંગ 120 કિંમત રૂ. 50,220 મળી આવતા પોલીસે બંને સ્થળેથી મળીને કુલ 180 દારૂની બોટલ કિંમત રૂ.72,720નો મુદ્દમાલ જપ્ત કર્યો છે. તો રેઈડ દરમિયાન આરોપી હાજર નહિ મળતા એ-ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.