મોરબીમાં ચુંટણી ચિત્ર સ્પષ્ટ:મોરબી બેઠક પર 17, ટંકારામાં 05 અને વાંકાનેરમાં 13 ઉમેદવારો મેદાને; મોરબીમાં જામશે ખરાખરીનો જંગ

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પર ફોર્મ ચકાસણી બાદ કુલ 50 ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. જેમાં મોરબીમાં 09, ટંકારામાં 02 અને વાંકાનેરમાં 04 ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યા છે. ત્યારે હવે મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે કુલ 35 ઉમેદવારો ચુંટણી મેદાનમાં જોવા મળશે.

મુદ્દત વીત્યા બાદ હવે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે
મોરબી-માળિયા વિધાનસભા બેઠક પર કુલ 26 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખી સ્વીકારવામાં આવ્યા હતા અને તા.16 તેમજ 17ના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાની મુદ્દત વીત્યા બાદ હવે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં કુલ 09 અપક્ષ ઉમેદવારો મેદાન છોડી જતા રહ્યા છે અને હવે 17 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામશે. મોરબી બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી ઉપરાંત 13 અપક્ષ ઉમેદવારો મેદાનમાં જોવા મળી રહ્યા છે.

પાંચ પાર્ટીના ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે
​​​​​​​ટંકારા વિધાનસભા બેઠક પર 07 ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. જેમાં ફોર્મ પરત ખેંચવાના આજે છેલ્લા દિવસે બે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. અપક્ષ ઉમેદવાર જાદવ મનીષભાઈ અને સુમરા શહેનાઝ કાસમભાઈએ ફોર્મ પરત ખેંચી લીધું છે. જેથી હવે ટંકારા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બસપા સહિતની પાંચ પાર્ટીના ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે

બે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત લીધા છે
​​​​​​​વાંકાનેર વિધાનસભા બેઠક માટે કુલ 17 ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા અને ત્યારબાદ બે દિવસ ફોર્મ પરત ખેંચવાની કામગીરી ચાલી હતી. જેમાં ગઈકાલે બે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા બાદ આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વધુ બે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત લીધા છે. અપક્ષ ઉમેદવાર નરેન્દ્રસિંહ નટુભા ઝાલા અને મહેશકુમાર ખાંડેખાએ ફોર્મ પરત ખેંચી લીધા છે. જેથી હવે વાંકાનેર બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર સહિત 13 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામશે

અન્ય સમાચારો પણ છે...