મોરબી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરે દસ્તક દઈ દીધી હોય તેમ કોરોનાના કેસમાં જોરદાર ઉછાળો આવ્યો છે જિલ્લામાં 10 દિવસમાં 140 કેસ આવ્યા હતા જોકે આ વખતે રાહતની વાત એ છે કે 16 દર્દી ઘરે જ સારવાર લઈને સ્વસ્થ થઈ ચૂક્યા છે જયારે 124 દર્દી હોમ ક્વોરન્ટાઈન છે એટલે કે તેઓને હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર પડી નથી. જેના પરથી આરોગ્ય તંત્રને પણ થોડી ઘણી હળવાશ અનુભવાઇ રહી છે કે દર્દીઓમાં બીજી લહેરની જેમ કોરોનાનું ઘાતક સ્વરૂપ જોવા નથી મળી રહ્યું.
મોરબી જિલ્લામાં ગત 28 ડિસેમ્બરથી કોરોનાના કેસ સામે આવ્યા છે અને તેમાં દિન પ્રતિદિન થઇ રહેલો વધારો મોરબીવાસીઓ અને આરોગ્ય તંત્ર તમામ માટે ચિંતાનુ કારણ બની રહ્યું છે.જિલ્લામાં વહીવટી તંત્ર ફરી સક્રિય બન્યું છે અને જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં બેડ,ઓકિસજન,દવા તેમજ ટેસ્ટીંગ કીટ સહીતની બાબતમાં તૈયારી તેજ કરી દીધી છે.મોરબી જિલ્લામાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 10 દિવસ દરમિયાન 21 બાળકો સહિત કુલ 140 દર્દી કોરોના પોઝીટીવ આવ્યા હતા.જેમાંથી 16 દર્દી ડિસ્ચાર્જ થયા હતા જયારે 124 એક્ટિવ કેસ છે.
મોરબી જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે સૌથી રાહ જનક વાત એ રહી કે 140 દર્દીમાંથી એક પણ દર્દી હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી. મોટા ભાગના દર્દીઓમાં કોરોના ખુબ હળવા લક્ષણ જોવા મળ્યા છે, તો કેટલાય દર્દી એવા છે જેમનામાં કોરોનાનું એક પણ લક્ષણ સામે આવ્યું નથી પરંતુ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા હોવાથી તેમનું ટેસ્ટીંગ કરવામાં આવતા તેમનો આરટીપીસીઆર રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને પોઝિટિવ સામે આવ્યા હતા. મોરબી જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં જેટલા દર્દી સામે આવ્યા તે બધાને હોમ આઈસોલેશનમાં જ રાખવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં રીફર કરવાની નોબત આવી નથી. તેમ છતાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે મોરબીની સિવિલ હોસ્પિટલ તેમજ અન્ય ખાનગી હોસ્પિટલમાં મળી 3372 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. આ 3372 માં 750 નોર્મલ 2378 ઓક્સીજન બેડ અને 144 આઈસીયુ અને 100 વેન્ટીલેટર બેડ તૈયાર કરવામાં આવ્યા છે. આ સિવાય ઓકિસજન સિલિન્ડરની ઉપલબ્ધતાની બાબતમાં તૈયારી કરી લેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.