ચર્ચા વિચારણા:આમરણ પાસેના 14 ગામ આધાર મુદ્દે નિરાધાર

મોરબી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી જિલ્લામાં સમાવિષ્ટ 14 ગામના લોકોને આધારકાર્ડ માટેનું સરનામું હજુ પણ જામનગરનું આવતાં લોકોને થાય છે ધક્કો
  • જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પવનચક્કીના ખડકલા સહિતના પ્રશ્ને બન્ને પક્ષો વચ્ચે ટપાટપી

મોરબી જિલ્લા પંચાયત પંચાયત ખાતે આજે સામાન્ય સભામાં મળી હતી આ સભામાં આગેવાનોએ ગ્રામ્ય વિસ્તારોમાં પવનચક્કી નાખનાર એજન્સીઓ દ્વારા પવનચક્કીથી તેમના વીજ સબ ડિવિઝન સુધી લગાવવામાં આવતા વીજ પોલમાં કોઈ મંજૂરી વગર આડેધડ ગ્રામ પંચાયતની મિલકતમાં કે ખરાબાની જગ્યાઓમાં ક્યારેક માત્ર નવ ફૂટ જેટલા ગાડા માર્ગની વચ્ચોવચ થાંભલા ખોડી દેવાતા હોય જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને ભારે હાલાકી થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. ખાસ કરીને આ સમસ્યા ટંકારા વાંકાનેર અને માળિયા પંથકમાં વધુ હોવાનું કોંગ્રેસના સદસ્ય ભુપત ગોધાણીએ ઉઠાવ્યો હતો.

આ ઉપરાંત તેઓએ આમરણ પંથકમાં રહેતા 14 ગામના લોકોનો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે આમરણ ગ્રામ પંચાયત તેમજ જામનગર જિલ્લામાંથી મોરબી જિલ્લામાં પડેલા 14 ગામ માં હજુ પણ આધાર કાર્ડની કામગીરીમાં સરનામું જામનગર જિલ્લાનું આવે છે જેના કારણે તેઓને સુધારો કરવા માટે જામનગર જવું પડે છે તેમજ આયુષ્યમાન કાર્ડ કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી યુઆઇડીએઆઇ દ્વારા આ ગ્રામ્ય વિસ્તારોની મોરબી જિલ્લામાં ભેળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

આ પ્રશ્નો મુદે સભામાં ચર્ચા વિચારણા
1. કોંગ્રેસના નવઘણભાઈ મેઘાણીએ નાણાપંચની ગ્રાન્ટમાં કે અન્ય ગ્રંથમાં વિકાસ કામો માં વિલંબ થતા હોવાની ફરિયાદ કરી હતી.
2.કોરોનાની ચોથી લહેર આવે તો આરોગ્ય વિભાગ દ્વારા શું તૈયારી કરવામાં આવશે તે અંગે માહિતી માંગવામાં આવી હતી
3. અગાઉ મંજૂર થયેલા કામમાં કોઈ કારણસર થયેલા હેતુફેરની મંજૂરી આપવામાં આવી હતી
4. ટંકારાના ટોળ નજીક આંગણવાડી પાસેની કોઝવે અને હળવદ તાલુકાના વિસ્તારમાં વિકાસ કામને મંજૂરી.

રોડ-રસ્તાના કામની ગુણવત્તા જાળવવા ધારાસભ્યની તાકીદ
સભામાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, વાંકાનેર કુવાડવાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા હાજર રહ્યા હતા અને તેમણે જિલ્લામાં થતા રોડ રસ્તાના કામની ગુણવત્તા જાળવવા તાકીદ કરી હતી.

તેઓએ ભાર પૂર્વક જણાવ્યું હતું કે જિલ્લામાં વર્ષ દરમિયાન લગભગ 25 થી 30 જેટલા રોડ બનતા હોય છે, આ રોડ ગુણવત્તાયુક્ત બનવા જોઇએ. ડીડીઓ નવા બનતા રોડની સરપ્રાઈઝ વિઝિટ લે અને તેની ગુણવત્તાની ખાતરી કરે તેવી તાકીદ કરી હતી, સાથે સાથે ઉમેર્યું હતું કે ભૂતકાળમાં બનેલા રોડ હાલ તૂટી ગયા છે અને આ તૂટી ગયેલા રોડ ગેરેન્ટી પિરિયડમાં હોય જેથી એજન્સીઓ પાસે જ તેમના ખર્ચે રોડનું રીપેરીંગ કરવામાં આવે તેમ જણાવ્યું હતું.

અંબાનગરમાં નવી ગ્રામ પંચાયતને મંજૂરી
સામાન્ય સભામાં મોરબી ના હજનાળી ગામમાંથી અલગ થયેલ અંબાનગર ગામને નવી ગ્રામ પંચાયતનો મંજૂરી આપવા ઠરાવ મૂકવામાં આવ્યો હતો. જેને સદસ્યોએ મંજૂર રાખ્યો હતો. ઉપરાંત કોટડા ગામમાંથી અલગ થયેલ હરીપર ગ્રામ પંચાયતની અલગ રેવન્યુ રેકોર્ડમાં ફેરફારને પણ મંજૂરી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...