ગત વર્ષ-2022માં ગુજરાતના લાખો ચિંતિત ચહેરા પર સ્મિતની આભા બનીને મહેકી છે. આયુષ્યમાન ભારત યોજના. આ સુવાસના ભાગીદાર બન્યા છે મોરબીના 13 હજારથી વધુ લોકો. મોરબી જિલ્લામાં 2.50 લાખથી વધુ લોકો આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલા છે. જે થકી ગત વર્ષ દરમિયાન સરકારી દવાખાના, આરોગ્ય કેન્દ્રો અને ખાનગી દવાખાનામાં સામાન્ય કે ગંભીર બીમારીની સારવાર મેળવેલા 13 હજારથી વધુ દર્દીઓ કે તેમના પરિજનોને સારવારના ખર્ચનું ભારણ વેઠવું પડ્યું નથી. ગત વર્ષે આ 13 હજારથી વધુ દર્દીઓને સરકાર દ્વારા 28 કરોડથી વધુની સહાય એનાયત કરવામાં આવી છે.
આયુષ્યમાન ભારત યોજના ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારો માટે અભિન્ન અંગ બની ગઈ છે. આયુષ્માન કાર્ડ થકી યોગ્ય અને અદ્યતન સારવાર લઈ અનેક લોકો તેમનું જીવન સહજતાથી જીવી રહ્યા છે. ક્યાંક ગૃહિણી ફરીથી તેમના ઘરકામમાં વ્યસ્ત બની છે તો ક્યાંક કોઈ મજૂર તેમના વ્યવસાયમાં ફરી પાછા સરળતાથી જોડાઈ શક્યા છે.
સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ આયુષ્યમાન યોજના લોકો માટે અનિવાર્ય બની ચૂકી છે. ગુજરાતમાં 1974 સરકારી અને 853 ખાનગી દવાખાના ખાતે આયુષ્યમાન કાર્ડ થકી અદ્યતન સારવાર નિ:શુલ્ક પણે ઉપલબ્ધ બની છે. ગુજરાત ક્લેમ્સ નોંધણીમાં પણ અવ્વલ છે. આમ, આજે આયુષ્યમાન કાર્ડ યોજના એટલે ગુજરાતના જન જનની યોજના.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.