તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તકેદારી:મોરબીમાં ધો.6થી8નો અભ્યાસ કરાવતી તમામ 622 શાળાઓમાં 100 % શિક્ષક વેક્સિનેટેડ

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોના આરોગ્ય સામે જ જોખમ છે અને અત્યારે બાળકોને રસી મળી નથી ત્યારે શિક્ષકો સુરક્ષિત હોય તે અત્યંત જરૂરી
  • 209 ખાનગી શાળાના 715 શિક્ષક અને 413 સરકારી શાળાના 1207 શિક્ષકે બંને વેક્સિનના ડોઝ લઇ લીધા

રાજ્યમાં ગુરુવારથી ધોરણ છ થી આઠનું ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે, જે મુજબ મોરબી જિલ્લામાં પણ સરકારી તથા ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ આવતા થઈ ગયા છે, જો કે એ સંખ્યા ટકાવારી મુજબ જોઇએ તો 24 થી 25 ટકા જ છે, કેમકે વાલીઓમાં હજુ ભય અને ડરનો માહોલ છે. હજુ સુધી 18 વર્ષથી નીચેના વયના લોકોને, બાળકોને કોરોના વેક્સીન આપવાનું શરૂ થયું નથી ત્યારે અે જરૂરી બની રહે કે બાળકોને જેમણે શિક્ષણ આપવાનું છે તે શિક્ષકો વેક્સિનેટેડ છે કે કેમ? જેથી કરીને શિક્ષકો તરફથી સંક્રમણ ફેલાવાની શક્યતા નહીંવત બની જાય.

એ બાબતની ચકાસણી કરતા માલૂમ પડ્યું હતું કે જિલ્લાની સરકારી અને ખાનગી મળીને તમામ શાળાઓના શિક્ષકોને તમામને રસી અપાઇ ગઇ છે. મોરબી જિલ્લામાં 209 ખાનગી તથા 413 સરકારી શાળાઓમાં 6 થી 8 ધોરણના બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે, ત્યારે 1207 સરકારી તથા 715 થી વધુ ખાનગી શાળાઓના શિક્ષકો શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. જ્યારે 22685 બાળકો સરકારી શાળાઓમાં તથા 20766 બાળકો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરે છે આ તમામ શાળાઓના 1222 શિક્ષકોને કોરોનાની વેક્સિન અપાઈ ગઈ છે સરકારી શિક્ષકોને તો કોરોના ફ્રન્ટલાઈન વોરિયરમા ગણીને વહેલા જ વેક્સિન આપી દેવામાં આવી હતી.

પરંતુ ખાનગી શાળાના સંચાલકોએ પણ પોતાના શિક્ષકો માટે કોરોના વેક્સિન ફરજિયાત કરી દેતા તમામ શિક્ષકોએ રસી લઇ લીધી છે. જો કે ખાનગી શિક્ષકોમાંથી હજુ કેટલાકને બીજો ડોઝ બાકી છે, પરંતુ શિક્ષકોએ વેક્સિન લઈ લેતા બાળકો પર કોરોનાનું જોખમ ઘટ્યુ છે.

કોરોનાની ત્રીજી લહેર જો આવે તો બાળકો પર જ વધુ જોખમ હોવાની ભીતિ હોવાથી સરકારે પ્રાથમિક શાળાઓ મોડી અને ઓછી સંખ્યા સાથે શરૂ કરી છે, અનેક ગાઇડલાઇનનું પાલન ફરજિયાત બનાવાયું છે ત્યારે એ બાબત પણ ધ્યાનમાં લેવી રહી કે ગુરુજનો વેક્સિન લઇ સુરક્ષિત બની ગયા હોય તો બાળકો સુરક્ષિત રહેવાની શક્યતા અનેકગણી વધી જાય આથી જિલ્લામાં સરકારી અને ખાનગી શાળાના તમામ શિક્ષકોને પહેલાં વેક્સિનેટેડ થઇ જવા પર ભાર મૂક્યો છે.

જિલ્લાની 209 ખાનગી શાળાના શિક્ષકો પણ વેક્સિનેટેડ
મોરબી જિલ્લાની 209 ખાનગી શાળાઓના તમામ ટ્રસ્ટીઓ તથા સંચાલકોએ કોરોના વેક્સિન ફરજિયાત કરી દીધી છે જેના કારણે છ થી આઠ ધોરણનો ઓફલાઈન અભ્યાસ શરૂ થાય તે પહેલાં જ તમામ ખાનગી શિક્ષકોએ પણ કોરોના વેક્સિનનો ડોઝ લઈ લીધો છે આ શિક્ષકોના વેક્સિન ડોઝના પ્રમાણપત્રો પણ ચેક કરવામાં આવી રહ્યા છે જેથી સંક્રમણ શાળામાંથી ફેલાવાની શક્યતા નહીંવત થઇ જાય. > મનોજભાઈ ઓગણજા, પ્રમુખ, ખાનગી શાળા સંચાલક મંડળ, મોરબી

મોરબી જિલ્લાના 27 ગામમાં 100% વેક્સિનેશન
મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના 11 ગામ, ટંકારા તાલુકાના 6 ગામ, હળવદના 7 ગામ, માળિયા-મિયાણાના ૨ તથા વાંકાનેરનું એક એમ કુલ 27 ગામોમાં સો ટકા વેક્સિનેશન થઈ ગયું છે. આ ઉપરાંત મોરબીની સૌથી મોટી કોલેજોમાં એલ ઈ કોલેજ, જે એ પટેલ મહિલા કોલેજ તથા નવયુગ ગ્રુપ ઓફ કોલેજના સો ટકા વિદ્યાર્થીઓને વેક્સિન અપાઇ ગઈ છે. - ડો.વિપુલ કારોલિયા, આર.સી.એચ.ઓ., મોરબી

મોરબી જિલ્લામાં 5 લાખ લોકોએ વેક્સિન લીધી
મોરબી જિલ્લામાં હાલ 4,85,535 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ તથા 1,15,030 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત ફ્રન્ટલાઇન વોરિયર તરીકે અલગ અલગ વિભાગના 15,569 લોકોએ પ્રથમ ડોઝ તથા 11,989 લોકોએ બીજો ડોઝ લીધો છે. આથી જિલ્લામાં 8,08,459માંથી શુક્રવાર સુધીમાં કુલ 5,10,825 લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ જ્યારે 1,27,019 લોકોએ બીજો ડોઝ લઈ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...