કોર્ટે ફટકારી સજા:મોરબીના હળવદ પંથકમાં સગીરા પર દુષ્કર્મ કેસના આરોપીને 10 વર્ષની કેદ

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 સાક્ષી અને 27 પુરાવાને આધારે સ્પેશિયલ પોકસો કોર્ટે ફટકારી સજા

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની સગીરા પર સુરેશ મગનભાઈ રંગાડીયા નામના શખ્સે બળજબરીપૂર્વક તેનું બાઈકમાં અપહરણ કરી ગામની સીમમાં આવેલી કપાસની વાડીમાં લઇ ગયો હતો અને ત્યાં તેના પર મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કરી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

બનાવ અંગે સગીરાએ તેના પરિજનોને જાણ કરતા પ્રીજ્નોએ સુરેશ રંગાડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી મોરબી જિલ્લા જેલ હવાલે કર્યો હતો. દરમિયાન, આ કેસ મોરબી જિલ્લાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો ગયો હતો અને આ કેસમાં આજે મેજીસ્ટ્રેટ ડી. પી. મહિડાની કોર્ટમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. આ પહેલા ફરિયાદી તરફથી સરકારી વકીલ એસ. સી. દવેએ આરોપી વિરુધ્ધ જોરદાર દલીલો કરી હતી. તેમજ કેસમાં 15 સાક્ષી તેમજ 27 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.

મેજીસ્ટ્રેટ ડી પી મહીડાએ પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપી સુરેશ મગન રંગાડીયાને દોષિત જાહેર કર્યો હતો. અને આઈપીસી કલમ 363 મુજબ 3 વર્ષની કેદ 3000 દંડ, આઈપીસી 366 મુજબ 5 વર્ષની કેદ અને 5 વર્ષની કેદ તેમજ આઈપીસી 376(2), પોક્સો 3(એ) મુજબ 10 વર્ષની કેદ અને 10,000નો દંડ ફટકાર્યો હતો, સાથે કોર્ટ દ્વારા ભોગ બનનાર સગીરાને રૂ 1 લાખનું વળતર તેમજ આરોપી જે દંડની રકમ ભરે તે મળી કુલ 1.20 લાખ ચુકવવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...