માંગ:માળિયામાં ટ્રકોમાંથી ઢોળાતું મીઠું સ્વાસ્થ્ય અને ખેતીને નુકસાન કરી રહ્યાના આક્ષેપ

માળિયા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોની મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગ

માળિયા મિયાણાના બગસરા ગામે મીઠાનાં ઉત્પાદકો દ્વારા કરાતી લાપરવાહીને કારણે સ્થાનિકોનું જીવન દુષ્કર બની ગયું હોવાની લેખિત રજુઆત સબંધિત વિભાગો સહિત મુખ્યમંત્રી સુધી કરાઇ છે.

માળિયા તાલુકામાં કોઈ મોટા ઉદ્યોગ આવેલા નથી પણ દરિયાકાંઠો નજીક હોવાના કારણે મીઠાના અગરિયા મોટા પ્રમાણમાં આવેલ છે. મીઠા ઉત્પાદકો દ્વારા ટ્રકોમાં ઓવરલોડ ભરવામાં આવતું મીઠું ગામની વચ્ચેથી પસાર થતા માર્ગો પર ઢોળાતું જાય છે. ટ્રકો દ્વારા ધૂળ માટી ઉડીને લોકોના ઘરોમાં આવતી હોવાથી સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પહોંચાડી રહ્યો છે. નિયમ મુજબ મીઠા ભરેલા ટ્રક ઉપર તાલપત્રી ઢાંકવી જોઈએ જેનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ઓવરલોડ ભરેલા ટ્રકોને ઝડપવાની જવાબદારી આરટીઓની હોવા છતાં કાર્યવાહી થતી નથી.

આ સમસ્યા બાબતે અગાઉ ઘણી વખત સબંધિત તંત્રને કરેલી રજૂઆતો બાદ પણ હજુ આ દિશામાં કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવ્યા નથી. બગસરાથી વવાણીયા વચ્ચે ચાલતા ટ્રકોમાંથી ઢોળાતા મીઠાને કારણે સ્થાનિક ખેતીને નુકશાન પહોંચી રહ્યું છે. ગ્રામીણોની માંગણી છે કે મીઠાનું પરિવહન કરતા ટ્રકો માટે ગામમાંથી પસાર થવાના બદલે અન્ય માર્ગ બનાવાય. ગામને થતા નુકસાનને રોકવા માટે સબંધિત તંત્ર જેમાં આરટીઓ કચેરી મોરબી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, મામલદાર માળીયા મી., તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેક્ટર તેમજ મોરબી-માળિયાના ધારાસભ્ય સહિત મુખ્યમંત્રીને અને સીએમની પણ બગસરા ગામનાં સરપંચે ગ્રામ સભામાં થયેલા ઠરાવની નકલો સબંધિત વિભાગો સહિત મુખ્યમંત્રી સુધી પહોંચાડીને એક આવેદનપત્ર આપ્યું છે. બગસરાના સરપંચ મહેબૂબભાઈ હામીદભાઈ સુમરાએ આપેલા આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...