પોલીસની ગાડી રોકી હલ્લાબોલ:ચરાડવામાં બંધ મકાનમાં ચોરી કરવા ત્રણ શખ્સ ઘૂસ્યા, એકને ઝડપી લોકોએ પોલીસ હવાલે કર્યો

હળવદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોકી બનાવવાની વર્ષો જૂની માગણી ન સંતોષાતા લોકો વિફર્યાં
  • ​​​​​​​અન્ય બે ચોર ન ઝડપાય ત્યાં સુધી જવા ન દેવાની લોકોની જીદ, તટસ્થ તપાસની ખાતરી બાદ મામલો થાળે

હળવદના ચરાડાવા ગામે સ્વામિનારાયણ મંદિરની પાછળની શેરીમાં બંધ મકાનમાં બે ત્રણ વ્યક્તિ ચોરી કરવાનો પ્રયાસ કરતા હતા, જેની લોકોને જાણ થઇ જતાં ટોળું એકઠું થઇ ગયું હતું અને એકને રંગેહાથ ઝડપી લઇ પોલીસને સોંપી દીધો હતો જ્યારે બે વ્યક્તિ નાસી છૂટયા હતા,આ સમયે ધસી આવેલી પોલીસને જોઇ લોકો ઔર વિફર્યાં હતા અને પોલીસની ગાડી રોકી હતી જ્યાં સુધી અન્ય બે ચોર ન ઝડપાય ત્યાં સુધી ગાડી એક ઇંચ પણ ન ખસવા દેવાની જીદ કરી હતી અને ગામમાં પોલીસ ચોકી બનાવવાની માગણી દોહરાવી હતી. લોકોનો રોષ જોઇ પોલીસે નમતું જોખવું પડ્યું હતું અને ચોરીના બનાવોની તટસ્થ તપાસ કરવાની ખાત્રી આપતા મામલો શાંત પડ્યો હતો.

ચરાડાવા ગામે સ્વામિનારાયણ મંદિરની પાછળની શેરીમાં બંધ મકાનમાં બે થી ત્રણ અજાણ્યા શખ્સ ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ગ્રામજનોએ ધસી જઇને એકને ઝડપી પાડીને પોલીસને હવાલે કર્યો હતો. આ તકે ગામ આખું એકઠું થઇ ગયું હતું અને ચોતરફ ચક્કાજામની સ્થિતિ સર્જાઇ ગઇ હતી. બનાવની પીઆઇ એમ.બી પટેલને જાણ થતા તાત્કાલીક ઘટના સ્થળે પોલીસ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને ગ્રામજનોએ પોલીસની કાર પણ રોકી રાખી હતી. સાથે ગામમાં પોલીસ ચોકી સ્થાપવાની માગણી ઉગ્ર સૂરે દોહરાવી હતી.

મામલાની જાણ થતાં મોરબી એલસીબી અને એસઓજી પણ દોડી ગઇ હતી. ગ્રામજનોએ આ તકે અન્ય ચોરને ઝડપી પાડવા, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી હતી અને પોલીસે તટસ્થ તપાસની ખાત્રી આપતાં મામલો શાંત પડ્યો હતો, બીજી તરફ શંકાસ્પદ ચોરને હળવદ પોલીસે સ્ટેશનમાં લાવી તપાસની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...