રજૂઆત:હળવદ ગામના ઘનશ્યામનગરના લોકો છતે પાણીએ 15 દી’થી તરસ્યા

હળવદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસાએ વિદાય લીધી નથી ત્યાં આવી સ્થિતિ
  • ધારાસભ્ય, મોરબી કાર્યપાલક ઇજનેરને રજૂઆત

હળવદ તાલુકાના ઘનશ્યામનગર (નવા ધનાળા) ગામના લોકો છેલ્લા પંદર દિવસથી પીવાના પાણી માટે વલખાં મારી રહ્યાં છે. ગામમાં છેલ્લા પંદિર દિવસથી પીવાનું પાણી ન મળતા સરપંચ દ્વારા ધારાસભ્ય અને મોરબી કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવામાં આવી છે. અને તાત્કાલિક પાણીની સમસ્યા દૂર કરવા માંગ કરી હતી.

હજુ તો ચોમાસાની સત્તાવાર વિદાય થઇ પણ નથી ત્યાં જ આવી હાલત છે તો આગામી શિયાળાના અંત અને ઉનાળામાં કેવા દિવસો જોવા પડશે તેવી ચિંતા લોકોને કોરી ખાઇ રહી છે. એક તરફ હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી માટે નર્મદાના નીરથી ડેમો ભરી દેવામાં આવ્યા છે. પરંતુ બીજી તરફ હળવદના કેટલાક ગામોમાં પીવાનું પાણી પણ ન મળતું હોવાથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યાં છે.

હળવદના નવા ઘનશ્યામનગર ગામના લોકોને છેલ્લા પંદર દિવસથી પીવાનું પાણી મળ્યું નથી. પીવાના પાણી માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ વારંવાર રજૂઆત છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે અધિકારી દ્વારા પીવાના પાણીની સમસ્યાને ધ્યાને ન લેતા સરપંચ દ્વારા ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા અને મોરબી કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવામાં આવી છે. અને તાત્કાલિક પાણીની સમસ્યા દૂર થાય તેવી માંગ કરી છે. જો કે ઘનશ્યામનગર સાથે પ્રતાપગઢ, કૃષ્ણનગર, જૂના દેવળીયા, નવા દેવળીયા, સુરવદર, ધુળકોટ સહિતના ગામો પણ પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...