પ્રાકૃતિક ખેતી કરવા અપીલ:દેશ દુનિયાનું વિકાસ મોડલ ગુજરાત રાજ્ય હવે પ્રાકૃતિક ખેતી માટે પણ એક મોડલ બનશે

હળવદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યપાલ દેવવ્રતે હળવદ યાર્ડમાં ખેડૂતો સાથે કર્યો વિચાર વિમર્શ

રાજ્યના ખેડૂતો રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતીને અપનાવે તે માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રાકૃતિક કૃષિને લોકો સુધી પહોંચાડવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ જન અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે હળવદ ખાતે પ્રાકૃતિક ખેતી બાબતે ખેડૂતોને સીધું સંબોધન કરી શકે તે માટે રાજ્યપાલના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતોને વળવા માટે આહવાન કરતા જણાવ્યું હતું કે, મોરબી દયાનંદ સરસ્વતી જેવા ધર્મ તથા સંસ્કૃતિના મહાનાયકની ભૂમિ રહી છે. ત્યારે અહીંના ખેડૂતો પણ પ્રકૃતિના સંવર્ધનમાં પ્રાકૃતિક ખેતીને અપનાવી દરેક ખેડૂત ઉન્નત બને તેવી સરકારની નેમને પણ સાર્થક કરે તે જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે, જેમ ગુજરાત સમગ્ર દેશ માટે વિકાસ મોડલ બન્યું છે તેમ હવે ગુજરાત પ્રાકૃતિક ખેતી માટે પણ સમગ્ર દેશ -દુનિયા માટે મોડલ બનશે.હવે આગામી વર્ષની ૧૫મી ઓગસ્ટ એવો દિવસ હશે જ્યારે તમામ પંચાયતમાં ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હશે.

તેમણે ઉમેર્યું હતું કે પ્રાકૃતિક કૃષિમાં કૃષિ ખર્ચ નહીંવત થાય છે સામે ઉત્પાદન ઘટતું નહીં હોવાથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે. ગાયમાતાના સંવર્ધન માટે તેમણે જણાવ્યું હતું કે, જે ગાય દૂધ આપે છે તે ગાયના ૧ ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ કૃષિ મિત્ર જીવાણુઓ જોવા મળે છે જ્યારે જે ગાય દૂધ નથી આપતી તે ગાયના છાણમાં ૫૦૦ કરોડ કૃષિ મિત્ર જીવાણુઓ હોય છે જેથી પ્રાકૃતિક કૃષિ થકી ગાય માતાનું પણ સંવર્ધન થાય છે.

આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કલેક્ટર જે.બી પટેલે કર્યું હતું. આભારવિધિ એચ.ડી.વાદીએ કરી હતી.આ પ્રસંગે રાજ્યમંત્રી મેરજા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા,હળવદ યાર્ડના પ્રમુખ રણછોડભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, રાહુલ ત્રીપાઠી,પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...