લૂંટ:હળવદમાં રિક્ષામાં જતી મહિલાના સોનાના ચેઇનની તફડંચીની રાવ

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિક્ષામાં પહેલેથી બેઠેલી મહિલાઓએ કરી કારીગરી

રીક્ષામાં બેસીને અન્ય મુસાફરોની લૂંટવાની પેરવી કરતી ગેંગ હળવદમાં પણ સક્રિય બની હતી અને એક મહિલાને તેનો કડવો અનુભવ પણ થયો હતો. રીક્ષામાં મુસાફરી કરી રહેલી મહિલાના ગળામાંથી અગાઉથી બેઠેલી બે મહિલાએ સોનાના ચેનની તફડંચી કરી લીધી હતી. મહિલાને ખ્યાલ આવ્યો ત્યારે ગળામાં ચેન ન દેખાતાં આ અંગે પોલીસ ફરિયાદ કરાતાં વધુ તપાસ હાથ ધરાઇ છે.

હળવદમાં બીએસએનએલ એક્સચેન્જથી આશાપુરા હોટલ વચ્ચે રિક્ષામાં બેસીને જઈ રહેલી મહિલાએ ગળામાં પહેરેલો સોનાનો ચેન રિક્ષામાં તેની સાથે બેઠેલી બે અજાણી સ્ત્રી દ્વારા ચોરી કરી લેવાયો હતો, જેથી મહિલાએ બે અજાણી સ્ત્રી અને રીક્ષા ચાલક સામે ૬૦ હજારના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા કાજલબેન વિષ્ણુભાઈ સરૈયા (૨૫) રિક્ષામાં બેસીને હળવદમાં આવેલ બીએસએનએલ એક્સચેન્જથી આશાપુરા હોટલ તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કોઈ પણ સમયે નજર ચૂકવીને તેની સાથે રિક્ષામાં બેઠેલી બે અજાણી સ્ત્રીઓ દ્વારા તેની ડોકમાં પહેરેલ સોનાનો ચેન જેની કિંમત ૬૦ હજારની હતી તેની ચોરી કરી હતી. જેથી કરીને ભોગ બનેલી પરિણીતાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે અજાણી સ્ત્રી અને રીક્ષા ચાલકની સામે ગુનો નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...