સિટી મોન્ટેસરી સ્કુલ- લખનૌ દ્વારા તાજેતરમાં ઈન્ટરનેશનલ લેવલનો મેથ્સ, સાયન્સ અને કમ્પ્યુટર ને લગતો મેક્ફેર યોજાઈ ગયો. આ મેળામાં ઓલ ઈન્ડિયા રામાનુજન્ ક્લબ એફીલીએટ હળવદની તક્ષશિલા સંકુલે ભાગ લઈને શ્રીલંકા, નેપાળ, બાંગલાદેશ, બ્રાઝિલ, થાઈલેન્ડ અને મોરેશિયસ જેવા દેશોના વિદ્યાર્થીઓ સાથે ઈન્ટરનેશનલ લેવલે ડંકો વગાડ્યો હતો. સાયન્સ ડ્રામા અને રિવાઈરિંગ ધ પ્લેનેટ થીમ પર સાયન્સ પ્રોજેકટની ફાઈનલ માટે તક્ષશિલા સંકુલની બેય કૃતિઓ પસંદ થઈ હતી.
સાયન્સ ડ્રામા માટે શાળાના વિદ્યાર્થીઓ - આચાર્ય ધ્રુવિલ, કુણપરા નિલેશ, અઘારા હેત, શેઠ કિશન અને ઉઘરેજા વિજયે બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતું. જ્યારે સાયન્સ પ્રોજેકટ માટે કઠેસિયા રામજી અને સોલંકી કુશ બન્ને વિદ્યાર્થીઓ નિવૃત શિક્ષક રામજીભાઈ જાકાસણિયાના નેતૃત્વમાં તૈયાર કરેલા ‘ હવાના દબાણ ‘ ને લગતા 10 પ્રયોગો માટે ઇન્ટરનેશનલ લેવલની ફાઈનલ માટે પસંદ થયા હતા. ભારતના ખ્યાતનામ ગણિતશાસ્ત્રી ડો. ચંદ્રમૌલિ જોષીએ હળવદના વિદ્યાર્થીઓને ટ્વિનિંગ પ્રોગ્રામ અંતર્ગત શ્રીલંકા અને નેપાળના વિદ્યાર્થીઓ સાથે ગ્રુપ ડિસ્કશન કરાવ્યુ હતું.
તક્ષશિલા સંકુલના સંચાલક રમેશ કૈલા હળવદના વિદ્યાર્થીઓ ઈન્ટરનેશનલ લેવલ સુધી પરફોર્મન્સ આપે તેને અવિસ્મરણીય ઘટના ગણાવી હતી. સાથે સાથે યુનિટી ઓડિટોરિયમમાં રાત્રે ગરબા અને ટિમલી રાસ રજૂ કરી સૌને ગરવા ગુજરાતની ગરિમાનુ દર્શન કરાવ્યુ હતું. શાળાના વિજ્ઞાન શિક્ષક સંદિપ કૈલા અને સંચાલક રોહિત સિણોજિયાએ આ 7 વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.