મટકા ફોડ કાર્યક્રમ:હળવદની રૂદ્ર ટાઉનશિપ સોસાયટીમાં 20 દિવસથી પીવાનું પાણી ન આવતાં રોષ

હળવદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદની રૂદ્ર ટાઉનશિપ સોસાયટીમાં પાણી પ્રશ્ને રહીશો પાલિકાએ દોડી આવી રજૂઆત કરી હતી. - Divya Bhaskar
હળવદની રૂદ્ર ટાઉનશિપ સોસાયટીમાં પાણી પ્રશ્ને રહીશો પાલિકાએ દોડી આવી રજૂઆત કરી હતી.
  • આગામી દિવસોમાં રસ્તા રોકો, મટકા ફોડ કાર્યક્રમ કરી વિરોધની ચીમકી

હળવદમાંથી પસાર થતી નર્મદા કેનાલ બંધ હોવાથી પાણીની સમસ્યા સપાટી પર આવી છે. જેમાં મંગળવારે નગરપાલિકા કચેરી ખાતે રૂદ્ર ટાઉનશિપ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં હાજર રહી પાણીની માગ કરી હતી. અને પાણીનું ટેન્કર 5-5 દિવસ પહેલાં લખાવ્યા છતાં ન આવતું હોવાની રજૂઆત કરી હતી. પાણીની માગ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની અને રસ્તા પર ઉતરવાની ચીમકી આપી હતી.

હળવદ નગરપાલિકા કચેરી ખાતે મંગળવારે રૂદ્ર ટાઉનશિપના રહીશો મોટી સંખ્યામાં પાણીની રજૂઆત કરવા દોડી આવ્યા હતા. જેમાં જણાવ્યું કે, નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી સમયસર આપવા માગણી કરી હતી. તો સાથે દર 2 દિવસે પાણી છોડવામાં આવે તેવી માગ કરી હતી. જો પાણી છોડવામાં નગરપાલિકા અસમર્થ હોય તો 2 ટાંકા દ્વારા પાણી આપવામાં આવે.

આ ઉપરાંત નગરપાલિકાના સભ્ય દ્વારા અમારી સોસાયટી સાથે વહાલા દવલાની નીતિ અપનાવતા હોવાના આક્ષેપ લગાવ્યા હતા. હરિનગરમાં રાત્રીના 2 વાગ્યા સુધી પાણીના ટેન્કર આપવામાં આવે છે. જ્યારે અમારી રૂદ્ર ટાઉનશિપ સોસાયટીમાં ધ્યાન આપતા નથી. જેથી નગરપાલિકા સમયસર પાણી આપે નહીંતર આગામી દિવસોમાં રસ્તા રોકીશું તેમજ મટકા ફોડ કાર્યક્રમ કરી વિરોધ નોંધાવાની ચીમકી આપી હતી.

નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલે જણાવ્યું હતું કે રૂદ્ર ટાઉનશિપના રહીશો દ્વારા પાણી બાબતે રજૂઆત આવી છે. જે વિસ્તારમાં પાણી નથી મળતું તે વિસ્તારમાં વારાફરતી પાણી આવશે. આવતીકાલે પાણી સોસાયટીમાં આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...