તંત્ર હરકતમાં આવ્યું:ટીકરના મેડિકલ ઓફિસર સહિત ત્રણને નોટિસ

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હળવદની સરકારી હોસ્પિટલના દવાના રૂમમાં ખૂંટિયો ઘૂસવાની ઘટનામાં તંત્ર આકરા પાણીએ
  • બ્લોક હેલ્થ અધિકારીનો દવાઓ PHCમાં રાખવા, રૂમનો પરવાનગી વિના ઉપયોગ ન કરવા આદેશ

હળવદની સરકારી હોસ્પિટલમાં શુક્રવારે સાંજે ટીકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની દવાના સ્ટોર રૂમમાં ઘુસી જતા દવાના કાર્ટુનની રેલમછેલ સર્જાઈ હતી તેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતાં જ જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી હળવદ બ્લોક હેલ્થ અધિકારીએ ટીકર મેડિકલ ઓફિસર અને અન્ય કર્મચારીઓ સહિત ને 3 કર્મચારીઓને નોટિસ આપી ખુલાસો માગ્યો હતો અને હવેથી દવા રૂમમાં નહિ રાખવાની સૂચના અપાઈ હતી અને આવતીકાલથી ટીકર પીએચસીમાં જ દવા રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આમ દિવ્યભાસ્કરના અહેવાલના પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું અને દવાઓ યોગ્ય સ્થળે જ રાખવા તાકીદ કરાઇ હતી.

મોરબી જિલ્લાના હળવદ સરકારી હોસ્પિટલમાં શુક્રવારે સાંજે સરકારી દવાખાનાના દવા રૂમમાં ખુંટિયો ઘૂસતા દોડધામ મચી હતી, જેને બે કલાકની જહેમત બાદ બહાર કઢાયો હતો. રૂમમાં રાખવામાં આવેલા દવાના બોક્સની રેલમછેલ સર્જાઈ હતી, જેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં શનિવારે પ્રસિદ્ધ થતાં આરોગ્ય અધિકારીની સૂચનાથી હળવદ તાલુકા બ્લોક હેલ્થ અધિકારી ડો. ભાવિન ભટ્ટીએ ટીકર મેડિકલ ઓફિસરને ખુલાસો કરવા સુચના આપી હતી કે ક્યા કારણોસર દરવાજો ખુલ્લો રહી ગયો ? આવતીકાલથી દવાઓ ટીકર પી. એચ. સી રૂમમાં રાખવાની સૂચના આપવામાં આવી હતી. દવાના જથ્થાને કોઈ નુકસાન નથી થયું ને ? પૂરતા પ્રમાણમાં જથ્થો છે કે કેમ ? તે અંગે વિગતો મંગાવી છે.

ધ્યાન બહાર દવાઓનો જથ્થો ત્યાં મુકાયો હતો
આ અંગે હળવદ મેડિકલ હળવદ સરકારી હોસ્પિટલના અધિક્ષક હર્ષિતા પટેલે જણાવ્યું હતું કે આ સરકારી હોસ્પિટલના બિલ્ડીંગમાં અમારા ધ્યાન પર મુક્યા વગર આ દવાઓ એ રૂમમાં રાખી હતી, હવે પછી અમારી પરવાનગી વગર આ રૂમનો દવા કે અન્ય કોઈ પણ બાબતે ઉપયોગ કરવો નહીં તેમ લેખિતમાં નોટિસ આપી છે અને અાવું શું કામ બન્યું તેનો ખુલાસો કરવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...