હળવદ માર્કેટિંગ યાર્ડમાં મંગળવારે બે ખેડૂતો આ સિઝનનો નવો કપાસ લઈને વેચાણ અર્થે આવ્યા હતા. જેમાં ધાવડી કૃપા પેઢીમાં કપાસના મુર્હુતના ભાવ પ્રતિ મણના રૂ.6511 અને દેવદૂત ટ્રેડિંગ પેઢીમાં મુર્હુતના ભાવ 6100 રૂપિયા હરરાજીમાં બોલાયો હતો. જ્યારે આ હરરાજીમાં બે ખેડૂતોનો કુલ 5 હજાર મણ કપાસ વેચાયો હતો.
હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા હંમેશા અગ્રેસર છે તેનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. યાર્ડમાં મંગળવારે હરરાજીમાં ખેડૂતોની મુર્હુતે કપાસ દેવા જાણે રીતસરની હરીફાઈ જામી હતી. જેમાં ધાવડી કૃપા પેઢીમાં કૃષ્ણનગર કોંઢના ખેડૂત રમેશભાઈ શિવાભાઈના કપાસના મુર્હુતના ભાવ પ્રતિ મણના રૂ. 6511 અને દેવદૂત ટ્રેડિંગ પેઢીમાં વાંકીયા ગામના ખેડૂત રાજેશભાઇના કપાસના મુર્હુતના ભાવ 6100 રૂપિયા હરરાજીમાં બોલાયો હતો.
છેલ્લે પંચનાથ ટ્રેડિંગના માલિક માવજીભાઈ વાઘજીભાઇ સંઘાણીએ આ બંને ખેડૂતનો કપાસ સૌથી ઊંચી બોલી લગાવી કપાસ ખરીદ્યો હતો. આમ બે ખેડૂતોનો કુલ 5 હજાર મણ કપાસ વેચાયો હતો. વેપારીઓ અને ખેડૂતોમાં ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ અને સ્ટાફના માણસોએ જહેમત ઉઠવા હતી. જ્યારે કપાસ ખરીદના વેપારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.