તાલુકાના છેવાડાના ગામ માલણિયાદમાં સોમવારે બપોરના સમયે વીજ તણખલો ખરતાં 3 સીમમાં અલગ જગ્યાએ આગના બનાવ સામે આવ્યાં હતા. જેમાં 12 જેટલા ખેડૂતને નુકસાન થયું હતુ. સાઈકલ, ખાટલો, વીજળીના વાયરો, ચણાનો તૈયાર થયેલો પાક તેમજ ભીંડો અને પશુઓ માટે વાવેતર કરેલો ઘાસચારાને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. અને બપોરના સમયે તણખલાથી પ્રસરેલી આગે વિકરાળરૂપ ધારણ કરતાં સીમમાં દોઢેક કિલોમીટર શેઢો બાળીને ખાખ કરી દીધો હતો. ખેડૂતો દ્વારા આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધરાયા હતાં.
હળવદ ગ્રામ્ય વિસ્તારની સીમોમાં પીજીવીસીએલની બેદરકારીના કારણે મોટું નુકસાન થયું છે. જેમાં અવારનવાર વીજળીના કર્મચારીઓને તાર ઉંચા કરવા અને બાવળો કાપીને સાફસફાઈ કરવાની લાલીયાવાડીના કારણે સોમવારે બપોરના સમયે ત્રણ સીમમાં વીજ વાયરનો તણખલો પડતા આગ લાગી હતી. જેમાં મેરારાની સીમમાં સુરાભાઈ રૂખડભાઈ ડાભીની વાડીમાં શેઢામા આગ લાગી હતી. તેમજ ખારાની સીમમાં કમલેશભાઈ ઘનશ્યામભાઈ કણઝરીયાની વાડીમાં કેબલ તેમજ સર્કીટ બળીને ખાખ થઈ ગઇ હતી.
જ્યારે વધુમાં ગડબાની સીમમાં અરવિંદભાઈ પટેલ,બળદેવભાઈ જેરામભાઈ, દેવજીભાઈ પ્રેમાભાઈ, દેવજીભાઈ ટપુભાઈ, ઉપેન્દ્રભાઈ દેવજીભાઈ, હસમુખભાઈ દેવજીભાઈ, લાલજીભાઈ દેવજીભાઈ, ઘનશ્યામભાઈ ત્રિકમભાઈ, માધવભાઈ કરશનભાઇ, હસમુખભાઈ ટપુભાઈ સહિતના ખેડૂતોની સીમમાં આવેલી જમીનમાં શેઢામા આગ લાગી ગઈ હતી. વીજ કંપની દ્વારા ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની માગ ઊઠી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.