અનોખી રાહ ચીંધી:મધના શોખીન ખેડૂતે ચોખ્ખું મધ ખાવા 140 પેટીમાં 30 હજાર માખી ઉછેરી 1 વર્ષમાં જ 3 હજાર કિલો મધ એકઠું કર્યું

હળવદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હળવદના ખેડૂતે મધમાખી ઉછેર થકી 1 જ વર્ષમાં 15 લાખનું ટર્ન ઓવર કર્યું
  • 5 ફ્લેવરનાં મધ બનાવવામાં સફળતા મળી
  • રાણી મધમાખી ઈંડા મૂકે, રાજા સફાઈ કરે, વર્કર મધ એકઠું કરે છે

ઝાલાવાડ અને મોરબી જિલ્લામાં સૌ પ્રથમ હળવદના પ્રગતિશીલ ખેડૂતે મધની ખેતીમાં 3 હજાર કિલો મધનું વિક્રમજનક ઉત્પાદન કરી અન્ય ખેડૂતોને અનોખી રાહ ચીંધી છે. 5 પ્રકારના મધ ફલેવરની પ્રોડક્ટ્સને લોન્ચ કરી આત્મનિર્ભર ખેડૂત બન્યા. ખાસ તૈયાર કરેલી 140 પેટીમાં 30 હજાર મધમાખી હોય છે. જેમાં કુલ 6.75 લાખનો ખર્ચ થાય છે. જેની સામે વર્ષ 15 લાખનું ટર્ન ઓવર થાય છે.

હળવદના એક પ્રગતિશિલ ખેડૂતે જિલ્લાભરમાં સૌ પ્રથમ મધમાખી ઉછેર માટેની નવી પદ્ધતિ અપનાવી ખેતરમાં 140 જેટલી મધમાખીની પેટી મૂકી વર્ષના અંતે 3 હજાર કિલો જેટલું શુદ્ધ મધનું ઉત્પાદન કરીને તેને જુદા જુદા 5 પ્રકારના મધ ફલેવરની પ્રોડક્ટને બજારમાં લોન્ચ કરી આત્મનિર્ભર બની અન્ય ખેડૂતો માટે નવો રાહ ચીંધ્યો છે.

આ અંગેની વાત કરવામાં આવે તો મોરબી જિલ્લાના હળવદના યુવાન ખેડૂત કમલેશભાઈ પટેલને નાનપણથી જ મધ ખાવાનો ભારે શોખ હતો. પણ હાલના યુગમા મિલાવટવાળા મધ આવતા હોવાથી કુદરતી અને શુદ્ધ મધ કેવી રીતે મળે એ વિચાર કમલેશભાઈને વારંવાર આવતા હતા. તેઓ પોતાના ખેતરમાં મધમાખીના ઉછેર બાદ શુદ્ધ અને ગુણકારી મધની ખેતી તરફ પ્રયાણ શરૂ કર્યું હતું.

આ મધની ખેતીમાં રાત દિવસ તનતોડ મહેનત કરી પોતાના ખેતરમાં 140 જેટલી પેટી મૂકી હતી. જેમાં મધમાખીઓ એકઠી કરીને અંદાજીત 1 વર્ષમાં 3 હજાર કિલો મધ એકઠું કરવામાં સફળતા મેળવી હતી. હાલ વાર્ષિક ટર્નઓવર 15 લાખ રૂપિયા જેટલું થાય છે. ત્યારે ખરેખર સમગ્ર જિલ્લામાં મધની ખેતીનો નવતર પ્રયોગ હાથ ધરી મોંઘી દાટ ખેતીમાં નવો રાહ ચીધ્યો છે.

ખેતીમાં નવો અભિગમ અપનાવનારા પ્રગતિશીલ ખેડૂત કમલેશભાઈને રાજ્ય સરકાર દ્વારા પ્રોતસાહિત કરવા લોકમાગ ઊઠી છે.હળવદના આ યુવા સાહસિક અને પ્રગતિશિલ ખેડૂત કમલેશભાઇ પટેલ મધની ખેતી કરવાની સાથે શાળામાં બાળકોને મધની મહત્ત્વતા અને ખેડૂતોને મધની ખેતી માટે સેમિનારો યોજે છે. કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસરો પણ આ ખેડૂતને આમંત્રણ આપી મધની ખેતી વિશે જાણકારી મેળવી હતી.

જાપાનની ટીમ સ્ટોરી બનાવવા હળવદ આવી
હળવદના પ્રગતિશિલ ખેડૂત કમલેશભાઇ પટેલની મધની ખેતીથી પ્રભાવિત થઇને જાપાનની ટીમ આ ખેડૂતની સ્ટોરી બનાવવા હળવદ આવી હતી. અને 2થી 3 દિવસ અદ્યતન કેમેરા સાથે મધમાખીઓ સામે રક્ષણ માટેના સાધનો સાથે સજ્જ બની મેરોથોન શૂટિંગ કર્યું હતું. આ ડોક્યુમેન્ટરી ફિલ્મ હજી રિલિઝ કરાઇ નથી

140 પેટીમાં 3 પ્રકારની માખીનો ઉછેર કર્યો
ખેતરમાં મુકેલી 140 ખાસ તૈયાર કરેલી પેટી પૈકીની 1 પેટીમાં 30 હજાર મધમાખી હોય છે. આ મધમાખીઓ 3 પ્રકારની હોય છે. જેમાં રાજા, રાણી અને વર્કરનો સમાવેશ થાય છે. રાણી મધમાખી ઈંડા મૂકે, રાજા મધમાખી પેટી અંદર સાફ સફાઈ કરે, વર્કર પ્રકારની મધમાખી બહારથી મધ એકઠું કરે છે.

1 પેટીનો ખર્ચ રૂ. 4500
140 જેટલી મધમાખીની પેટીની ખરીદી કરી વર્ષ દરમિયાન 3,000 કિલોનું ઉત્પાદન મેળવે છે. જેનું રોકાણ ખર્ચ પેટી દીઠ રૂ. 4,500 અને 140 પેટીનું કુલ ખર્ચ રૂ. 6.75 લાખ છે. અલગ-અલગ ફ્લેવરના 100, 250, 500 ગ્રામના પેકિંગ કરી વેચાણ શરૂ કર્યું છે. ખેડૂતે આજે ISO સર્ટિફાઇડ, ટ્રેડમાર્ક ધરાવે છે .

અન્ય સમાચારો પણ છે...