પાણીની સમસ્યા:હળવદના ડુંગરપુર ગામમાં પાણી મુદ્દે માથાકૂટ, સરપંચ હાજર ન મળતાં પરિવાર સાથે બોલાચાલી

હળવદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉગ્ર બોલાચાલીનો વીડિયો વહેતો થયો, પાણી પીડિત લોકો હળવદ દોડી આવ્યા, TDOને કહી આપવીતી

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે પીવાના પાણીની સમસ્યા ભોગવતા લોકોની ધીરજ ખૂટી પડી હતી અને ભર ઉનાળે પાણી વિના ટળવળતા લોકો સરપંચને રજૂઆત કરવા દોડી ગયા હતા પરંતુ એ સમયે સરપંચ હાજર ન મળતાં લોકો ગિન્નાયા હતા અને બીજી તરફ સરપંચના પરિવારજનોએ પણ પિત્તો ગુમાવ્યો હતો અને ઘડીભર પાણી માટે જોરદાર બબાલ થઇ પડી હતી. લોકોની માગણી હતી કે અમારી રજૂઆતો સાંભળો અને પાણીની સમસ્યાનો નિવેડો લાવો, બીજી તરફ સરપંચ હાજર ન મળતાં લોકો પણ આકરા પાણીએ આવી ગયા હતા.

પાણી માટે થયેલી માથાકૂટનો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થતાં પાણીની ગંભીરતા સામે આવી હતી તો બીજી તરફ લોકો હળવદ ખાતે દોડી આવ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.હળવદ પંથકમાં ઉનાળાની આકરી ગરમીમાં પીવાનું પાણી નિયમિત ન મળતું હોવાની અનેક બુમરાણ ઉઠી છે. છતાં સંબંધિત તંત્ર આ બાબતની ગંભીરતા ન સમજતું હોવાથી લોકો ઔર અકળાયા છે. હળવદ શહેર અને આસપાસના ગામોમાં પીવાનું પાણી ન મળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

રાપર તાલુકાના ડુંગરપુર ગામે ઘણા સમયથી પીવાનું પાણી ન આવતા ગ્રામજનોએ રજૂઆત કરવા છતાં પાણી ન મળતાં લોકો ફરી સરપંચને રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ સરપંચ હાજર ન મળતાં તેમના પરિવારજનોએ ગામ લોકો સાથે સુલહપૂર્વક વાતચીત કરવાને બદલે માથાકૂટ કરી દીધી હતી. આથી આ બોલાચાલીનો વિડીયો જાહેર થયો હતો. બીજી તરફ લોકોને લાગ્યું કે સરપંચથી આ કામ નહીં થાય, આથી લોકો હળવદ દોડી આવ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીને આખી બીનાથી વાકેફ કર્યા હતા અને અમારા ગામમાં પીવાનું પાણી સત્વરે મળી રહે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...