હળવદના સુખપર પંચાયતની સરકારી જમીન પર ગ્રામજનોને પ્લોટ ફાળવણી કરવા માટે આશરે 10 વર્ષ પહેલાં ઠરાવ પસાર કરી રજૂઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી મંજૂરી નથી મળી અને કલેક્ટરના હુકમથી સરકારી જમીન વેર હાઉસને ફાળવી દેવામાં આવતા ગ્રામજનો લાલઘૂમ થયા હતા. આથી મહિલાઓ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અને કચેરીમાં મહિલાઓએ રામધૂન બોલાવી સરકારના નિર્ણયનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
હળવદ તાલુકાના સુખપર પંચાયતની જમીન પર વેર હાઉસ બનાવવા માટે કલેક્ટર દ્વારા મંજૂરી મળ્યાં બાદ ગુજરાત રાજ્ય વેર હાઉસ કોર્પોરેશન દ્વારા જમીન પર કબજો જમાવવા આવતા મોટી સંખ્યામાં ગ્રામજનો મળીને વિરોધ વ્યક્ત કર્યો હતો. પ્લોટ ફાળવણી નહીં કરતાં અને વેર હાઉસ માટે આપી દેતા 400 જેટલા મકાનો માટે જગ્યા ક્યાંથી લાવવી અને ગ્રામજનોને ફાળવણી કરવાના બદલે વેર હાઉસને આપી દેતાં ગ્રામજનો લાલઘૂમ થયા હતા. મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી જ્યારે સરકાર આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.