વિરોધ:ધનાળા ગામે ગેસ પાઇપલાઇનના વળતરના મામલે ખેડૂતો તંત્ર સામે લડી લેવાના મૂડમાં

હળવદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંડલાથી ગોરખપુર જતી IBHની પાઇપલાઇનનો 13 ગામના ખેડૂતોનું વિરોધ પ્રદર્શન
  • વિજલાઇનનું વળતર 1003 અને ગેસલાઇનનું 14 રૂપિયા જ અપાતા રોષ, આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશુ : ખેડૂતો

હળવદના વિવિધ ગામોમાંથી નીકળતી ગેસ પાઇપલાઇનના વળતરને લઇને ખેડૂતો ધનાળા ગામે એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. હાલ તાલુકામાં ગેસ પાઇપલાઇનના અપાતા વળતરને લઇને ખેડૂતો નારાજ જોવા મળી રહ્યાં છે. જેથી મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઇને વળતરના ભેદભાવને લઇને વિરોધ નોંધાવ્યો હતો.જ્યારે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

હળવદ તાલુકામાં અનેક ગામોમાંથી ગેસની પાઇપલાઇન નીકળી રહી છે.જેની સામે ખેડૂતોએ વિરોધ ઉઠ્યો છે.આથી હળવદ તાલુકાના દેવળિયા, નવા દેવળિયા, સુરવદર, પ્રતાપગઢ, નવાધનાળા, જૂનાધનાળા, રાયસંગપુર, અમરાપર, જૂના અમરાપર, ઘનશ્યામગઢ, વેગડવાવ, માલણીયાદ અને રણમલપુરના ખેડૂતો એકઠા થઇને ગેસ પાઇપલાઇનનો વિરોધ નોંધાવ્યો હતો.

જેમાં સૂત્રોચ્ચાર સાથે વળતરમાં ભેદભાવને લઇને ખેડૂતોમાં ભારે આક્રોષ જોવા મળ્યો હતો. હળવદના વિવિધ ગામોમાંથી નીકળતી ગેસ પાઇપલાઇનના વળતરને લઇને ધનાળા ગામે ખેડૂતોએ ભેગા થઇને જય જવાન, જય કિશાનના નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો. આ અંગે ખેડૂતોનું કહેવું છે કે 765-KV વીજલાઇનનું વળતર 1003 રૂપિયા આપવામાં આવે છે. જ્યારે ગેસ પાઇપલાઇનનું વળતર માત્ર 14 રૂપિયા આપવામાં આવે છે. જેથી વળતરના ભેદભાવને લઇ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. અને આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...