હળવદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા સાગર સોલ્ટમાં બુધવારે બપોરે કારખાનાની દીવાલ ધરાશાયી થતા 12 મજૂર મોતને ભેટ્યા હતા. સમગ્ર ઘટના કારખાના માલિકની બેદરકારીના કારણે થઈ હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસ દ્વારા હજુ સુધી કારખાનાના માલિક સામે ગુનો પણ નોંધાયો નથી. ત્યારે આ અંગે અકસ્માતે મોત દાખલ કરી તપાસ પીઆઈ કે.જી. માથુકિયા ચલાવી રહ્યા છે.
એકાએક દીવાલ પડતા તમામ મજૂરો દટાઈ ગયા
હળવદ ધ્રાંગધ્રા હાઈ-વે નજીક આવેલા જીઆઇડીસીમાં સાગર સોલ્ટના મીઠાના કારખાનામાં બુધવારે બપોરે કારખાનામાં કામ કરી રહેલા મજૂરો મીઠાની થેલી ભરી રહ્યા હતા. ત્યારે એકાએક મોટી દીવાલ પડી જતા તમામ મજૂરો દટાઈ ગયા હતા. ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા. ત્યારે બનાવાના 24 કલાક જેટલો સમય વિતી ગયો છતાં પોલીસ દ્વારા કોઈપણ જાતની કારખાનાના માલિક સામે ગુનો નોંધાયો નથી.
પોલીસ દ્વારા હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી
કારખાનાના માલિકની બેદરકારીના કારણે 12 મજૂરના મોત થયાનુ સામે આવ્યું હતું. પોલીસ દ્વારા હજુ સુધી કારખાનાના માલિકને પણ બોલાવ્યા નથી. અને કાર્યવાહી પણ કરવામાં આવી નથી. ત્યારે હળવદ પંથકમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. પોલીસ કયારે કારખાનાના માલિક સામે ગુનો નોંધશે. હળવદ પંથકમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે.
પરિવારને મદદરૂપ થવા હું ખાતરી આપું છું : વિધાનસભાના અધ્યક્ષ
આ અંગે નીમાબેન આચાર્યએ જણાવ્યું કે 12 જેટલા મજૂરના દીવાલ ધરાશાઈ થવાની દુર્ઘટનામાં મોત થયા હતા. આ પરિવાર પર પડેલી આફતને સહનશક્તિ કરવાની શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મળીને 6 લાખની મૃતકના પરિવારજનોને જાહેરાત કરી હતી. છતાં પણ પરિવારને મદદરૂપ થવા હું ખાતરી આપું છું.
હળવદ ગ્રામજનો, વિવિધ સમાજના આગેવાનો, વેપારી મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ
ગુરુવારે હળવદમાં તમામ દુકાનદારો ધંધા-રોજગાર બંધ રાખીને હળવદના ભવાની મંદિર પાછળ આવેલા હરસિધ્ધિ માતાજીના મંદિર ખાતે શ્રદ્ધાંજલી અર્પી હતી. હળવદના વેપારી મહામંડળ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના ઘનશ્યામભાઈ દવે, વેપારી મહામંડળના વિનોદભાઈ પટેલ, યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, તપનભાઈ દવે, હળવદ મામલતદાર ભાટીયા સહિતના અધિકારીઓને હળવદના વિવિધ જ્ઞાતિના આગેવાનો દ્વારા 12 મૂતકને શ્રધ્ધાંજલી આપી હતી. શિશુ મંદિરની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. સમસ્ત ગ્રામજનો દ્વારા મૃતકના પરિવારને મદદરૂપ થવા માટે સંકલ્પ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.