હળવદ તાલુકાના દેવીપુર ગામે તસ્કરોએ મોડી રાત્રી દરમિયાન મકાનના ધાબા ઉપર અને ફળિયામાં મીઠી નીંદર માણી રહેલા ઘરધણીને સુતા રાખી મકાનની બારી તોડી ત્રણ મકાનમાંથી રૂપિયા 4.95 લાખના દાગીના અને રોકડ રકમની ચોરી કરી જતા આ મામલે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવની મળતી માહિતી અનુસાર મોરબીના હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતા મનોજભાઇ ઓધવજીભાઇ પીપળીયાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે, સોમવારે મોડી રાત્રી દરમિયાન તેઓ અને તેમનો પરિવાર ગરમીને કારણે મકાનના ધાબા ઉપર અને ફળિયામાં સુતા હતા. ત્યારે અજાણ્યા ચોર ઈસમોએ મકાનની બારી તોડી તેમના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહીત 1,01400ની ચોરી કરી ગયા હતા. તેમજ તેમના ભાઈ જતીનભાઈ ઓધવજીભાઇ પીપળીયાના રૂમમાંથી તસ્કરો સોનાનો હાર, મંગસૂત્ર, સોનાનો ચેન, બુટી, પેડલ, ચાંદીની ગાય,ચાંદીનો તુલસી ક્યારો અને રોકડ રકમ સહિત કુલ 3.71 લાખની માલમતાની ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત તસ્કરોએ મનોજભાઈની બાજુમાં રહેતા રસિકભાઈ પરસોતમભાઇ સોનાગ્રાના મકાનમાંથી પણ સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 23,200ના મુદ્દામાલની ચોરી કરી કુલ 4,95,600ની માલમતા ચોરી જતા ત્રણેય ચોરી મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.