અરવલ્લી ભેદી બ્લાસ્ટ:શામળાજીના ગોઢકુલ્લા ગામે ભેદી બ્લાસ્ટ રહસ્ય વધુ ભેદી બન્યું, રેન્જ આઈજીએ તપાસ એસઓજીને સોંપી, એફએસએલના રિપોર્ટની જોવાતી રાહ

શામળાજી2 મહિનો પહેલા
ગોઢકુલ્લા ગામમાં ભેદી બ્લાસ્ટ થતાં બાળકી સહિત 2ના મોત થયા હતા
  • રેન્જ આઇજી અભય ચુડાસમા સ્થળની મુલાકાત લઇ શામળીયાના દર્શન કર્યા
  • 28 ઓગસ્ટના ભેદી ધડાકામાં હજુ સુધી પોલીસ સાચું કારણ જાણી શકી નથી

ભિલોડાના ગોઢકુલ્લા ગામમાં એક રહેણાંક મકાનમાં ભેદી બ્લાસ્ટમાં પિતા-પુત્રીનું મોત નીપજ્યું છે. માતા-પુત્રી હાલ સારવાર હેઠળ છે. આ ભેદી બ્લાસ્ટના પગલે રેન્જ આઈજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસવડા સંજય ખરાતે સ્થળ મુલાકાત કરી ભેદી બ્લાસ્ટની તપાસ જિલ્લા એસઓજીની સોંપી હોવાનું જણાવ્યું હતું. રેન્જ આઈજીએ શામળાજી મંદિરમાં કાળીયા ઠાકોરને શીશ ઝુકાવ્યું હતું અને જન્માષ્ટમી નિમિત્તે પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કરી જિલ્લા પોલીસતંત્રના બંદોબસ્ત અને ટ્રસ્ટે ભક્તો માટે ઉભી કરાયેલી સુચારુ વ્યવસ્થાની સરાહના કરી હતી. ગોઢકુલ્લા ગામે થયેલ ભેદી બ્લાસ્ટમાં વિવિધ પ્રકારની ચર્ચાએ જોર પકડતા ભેદી બ્લાસ્ટનું રહસ્ય વધુ ભેદી બન્યું છે.

એફએસએલે ઘટનાસ્થળેથી નમૂના લીધા હતા
ગોઢકુલ્લા ગામે રહેણાંક મકાનમાં થયેલા ભેદી બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા છે. ગોઢકુલ્લામાં થયેલ ભેદી બ્લાસ્ટથી સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. શામળાજી પોલીસ સહિત જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ભેદી બ્લાસ્ટનું કારણ જાણવા એફએસએલની મદદ લીધી હતી. એફએસએલની ટીમે ભેદી બ્લાસ્ટમાં ઘટનાસ્થળે ઝીણવટભરી તપાસ હાથધરી બ્લાસ્ટ સ્થળેથી અનેક નમૂના લીધા છે. જોકે હજુ એફએસએલ રિપોર્ટ આવ્યો નથી. ત્યારે ઘટનાની ગંભીરતા સમજી રેન્જ આઈજી અભય ચુડાસમા ગોઢકુલ્લા ગામે ઘટનાસ્થળની મુલાકાત લઇ કેસની તપાસ જિલ્લા એસઓજીને સોંપતા એસઓજી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

ગોઢકુલ્લા ગામે થયેલો ભેદી બ્લાસ્ટનો બનાવ
28 ઓગસ્ટે શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામે એક રહેણાંક મકાનમાં થયેલા ભેદી બ્લાસ્ટને પગલે સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. ગોઢકુલ્લા ગામમાં પરિવાર સાથે રહેતા રમેશભાઈ ફણેજાના ઘરમાં ભેદી સંજોગોમાં બ્લાસ્ટ થતાં રમેશભાઈ ફણેજા નામના યુવકના શરીરના ચીથરેચીથરા ઉડી જતા ઘટનસ્થળે મોત નીપજ્યું હતું .જ્યારે યુવકની પત્ની અને બે બાળકીઓના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં બંને બાળકીને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાઈ હતી. જેમાંથી ગંભીર ઈજાગ્રસ્ત દોઢ વર્ષીય સંતોષ નામની બાળકીનું મોત થયું હતું. શામળાજી પોલીસ સહિત જિલ્લા પોલીસતંત્ર અને એફએસએલની ટીમ ભેદી બ્લાસ્ટ કઈ રીતે થયો તેની મથામણમાં લાગી છે.

સમગ્ર બનાવ શું હતો?
પ્રાપ્ત માહિતી અનુસાર ગોઢકુલ્લાનો રમેશ ફણેજા નજીકમાં આવેલા તળાવમાંથી કોઈ પદાર્થ લાવ્યો હતો. તે જ પદાર્થ બ્લાસ્ટ થતાં સ્થળ પર મોટો ખાડો પડી જવાની સાથે બ્લાસ્ટના અવાજની તીવ્રતા ૩ કિમી સુધી લોકોને સંભળાઈ હતી. બ્લાસ્ટ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા. એક બ્લાસ્ટથી આખો પરિવાર વિખેરાઈ ગયો હતો. પ્રંચડ ધડાકા સાથે થયેલા બ્લાસ્ટમાં રમેશ ફણેજાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

હજુ એક બાળકી જીવનમરણ વચ્ચે ઝોલા ખાય છે
ગઈકાલે 28 ઓગસ્ટે ગોઢકુલ્લાના ઘરમાં ઘોડિયામાં ઉંઘેલી દોઢ વર્ષીય બાળકી બ્લાસ્ટમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જોકે બાળકીનું સારવાર દરમિયાન રવિવારે અમદાવાદમાં મોત નિપજ્યું હતું. હાલ અન્ય એક બાળકી પણ મોત સામે ઝઝૂમી રહી છે. ભેદી બ્લાસ્ટથી મકાનની ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું. તેમજ ઘર બહાર બાંધેલી બકરીનું પણ આ બ્લાસ્ટમાં મોત નિપજ્યું હતું. મૃતક યુવકની લાશને પીએમ માટે અમદાવાદ ખસેડવામાં આવી છે. જ્યાં એફએસએલ, પોલીસની હાજરીમાં તબીબોની પેનલ મૃતક યુવકની લાશનું પીએમ કરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઇ હતી