અરવલ્લીમાં આંચકારૂપ બનાવ:યુવકે સાણસીથી હેન્ડ ગ્રેનેડની પિન ખેંચતાં જ બ્લાસ્ટ થયો, યુવક અને તેની પુત્રીનું મોત, બીજી બાળકી ગંભીર, હેન્ડ ગ્રેનેડ અંગે તપાસ

શામળાજી2 મહિનો પહેલા
  • ગોઢકુલ્લા ગામમાં હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ થતા યુવક તથા એક બાળકીનું મોત નિપજ્યું
  • યુવકે સાણસીથી હેન્ડ ગ્રેનેડની પિન ખેંચતા બ્લાસ્ટ થયો

ભિલોડા તાલુકાના શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામમાં એક રહેણાંક મકાનમાં ગત શનિવારે થયેલા ભેદી બ્લાસ્ટમાં પિતા-પુત્રીનું મોત નીપજ્યું હતું. ભેદી બ્લાસ્ટના પગલે જીલ્લા પોલીસતંત્રએ તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો રેંજ આઈજી પણ દોડી આવ્યા હતા. જેમાં હેન્ડ ગ્રેનેડ ફાટવાથી બ્લાસ્ટ થયો હોવાની ચોંકાવનારી ખબર એફએસએલ તપાસમાં બહાર આવી છે. પોલીસ હાલ હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યો તેની ઝીણવટભરી તપાસ હાથધરી છે.

શામળાજી પોલીસે મૃતક રમેશ ફણેજા અને તેના મિત્ર વિનોદ ઉર્ફે ભટ્ટો શકરા ફણેજા વિરુદ્ધ આર્મ્સ એક્ટ,એક્સપ્લોઝીવ સબસ્ટન્સ એક્ટ સહીત જુદી-જુદી કલમ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યો તે રહસ્ય યથાવત રહ્યું છે. આથી હવે એટીએસ પણ તપાસમાં જોતરાઈ હોવાની માહીતી પ્રાપ્ત થઇ હતી.

હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ થતા યુવકનું મોત
ભિલોડાના ગોઢકુલ્લા ગામે થયેલ ભેદી બ્લાસ્ટમાં સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. સમગ્ર કેસની તપાસ એસઓજી પોલીસને સુપ્રત કરી હતી. મૃતક રમેશ ફણેજાનું અમદાવાદ એફએસએલ, પોલીસની હાજરીમાં પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. મૃતક યુવકના શરીરમાંથી છરા મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસ તપાસમાં આખરે ભેદી બ્લાસ્ટ હેંડ ગ્રેનેડથી થયો હોવાનું બહાર આવ્યું છે. મૃતક યુવકને હેન્ડ ગ્રેનેડ નજીકના તળાવમાંથી મળ્યો હતો અને ઘરે મૂકી રાખ્યો હતો. શનિવારે રમેશે સાણસીથી ગ્રેનેડની પિન ખેંચતા જ તેમાં બ્લાસ્ટ થયો. રમેશ ફણેજાના હેન્ડ ગ્રેનેડ અને રાઇફલ સાથેના ફોટો પણ તેના મોબાઈલમાંથી મળી આવ્યા છે. તેમજ હેન્ડ ગ્રેનેડથી તેના બાળકો પણ રમતા હોવાની માહીતી પ્રાપ્ત થઇ છે.

મૃતક યુવક રમેશ ફણેજાની તસવીર
મૃતક યુવક રમેશ ફણેજાની તસવીર

સમગ્ર બનાવ શું હતો?
ગોઢકુલ્લાનો રમેશ ફણેજા નજીકમાં આવેલા તળાવમાંથી કોઈ પદાર્થ લાવ્યો હતો. તે જ પદાર્થ બ્લાસ્ટ થતાં સ્થળ પર મોટો ખાડો પડી જવાની સાથે બ્લાસ્ટના અવાજની તીવ્રતા ૩ કિમી સુધી લોકોને સંભળાઈ હતી. બ્લાસ્ટ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા. એક બ્લાસ્ટથી આખો પરિવાર વિખેરાઈ ગયો હતો. પ્રંચડ ધડાકા સાથે થયેલા બ્લાસ્ટમાં રમેશ ફણેજાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

હજુ એક બાળકી જીવનમરણ વચ્ચે ઝોલા ખાય છે
28 ઓગસ્ટે ગોઢકુલ્લાના ઘરમાં બ્લાસ્ટથી ઘોડિયામાં સૂતેલી દોઢ વર્ષીય બાળકી બ્લાસ્ટમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જોકે બાળકીનું સારવાર દરમિયાન રવિવારે અમદાવાદમાં મોત નિપજ્યું હતું. હાલ અન્ય એક બાળકી પણ મોત સામે ઝઝૂમી રહી છે. ભેદી બ્લાસ્ટથી મકાનની ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું. તેમજ ઘર બહાર બાંધેલી બકરીનું પણ આ બ્લાસ્ટમાં મોત નિપજ્યું હતું.