મોડાસાના બાકરોલની સીમમાંથી પસાર થતી ઝુમ્મર નદી પર સરકારે લાખોના ખર્ચે નવીન ડીપનું નિર્માણ કર્યું છે. પરંતુ ડીપના એક છેડા પર માટીકામનું કામ અધૂરું રાખતાં ગ્રામજનોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. ડીપનું કામ પૂર્ણ થયે ત્રણ મહિના વિતવા છતાં માટી કામ ન કરાતાં માર્ગ અને મકાન તેમજ ખાનગી એજન્સીની મિલીભગતના કારણે કામ ખોરંભે પડ્યું હોવાની બૂમ ઉઠી છે.
બાકરોલની સીમમાંથી પસાર થતાં રસ્તે ગોખરવા રખિયાલ, રામેશ્વરકંપા, સજાપુર ટીંટીસર અને સરડોઈ મેઢાસણ જેવા 15 જેટલા ગામડાઓને જોડતો હોવાથી સરકારે બાકરોલની સીમમાં ઝુમ્મર નદી પર લાખોના ખર્ચે ડીપનું નિર્માણ કરાવ્યું છે અને ડીપના એક છેડે પ્રોટેકશન વોલ ત્રણ મહિના અગાઉ બાંધવામાં આવી હતી ત્યારબાદ ડીપ અને પ્રોટેક્શન વોલ વચ્ચે માટી કામ ન કરાતાં વાહનચાલકોને ત્યાંથી પસાર થવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરિણામે ચોમાસામાં 15 જેટલા ગામડાઓના લોકોને ઉપરોક્ત ઉપરથી પસાર થવામાં જોખમ ખેડવું પડે છે.
બાંધકામની કામગીરી પૂર્ણ થયાને ત્રણ મહિના ઉપરનો સમય વિતવા છતાં ખાનગી એજન્સી દ્વારા માટી કામ ન કરાતાં માર્ગ અને મકાન વિભાગની બેદરકારી સામે આવી છે. ગ્રામજનોએ માર્ગ અને મકાન પંચાયત વિભાગને રજૂઆત કરવા છતાં જવાબદાર અધિકારી અને કર્મચારીઓ દ્વારા કામ પૂર્ણ ન કરાતાં ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.