કોરોના કહેર:વિજયનગરમાં અમદાવાદથી આવેલા ફેરિયાને અને મોડાસા શહેરમાં વૃદ્ધાને કોરોના પોઝિટિવ

મોડાસા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી અને સાબરકાંઠામાં વધુ 1-1 કેસ, મોડાસા શહેરની કાર્તિકેય સોસાયટી તથા તેની આજુબાજુના વિસ્તારનો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ
  • વિજયનગરમાં બાયપાસ રોડ પર આવેલી સંયમનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા ફેરિયાનું મંગળવારે સેમ્પલ લેવાતાં રિપોર્ટ પોઝિટિવ
  • કુલ પોઝિટિવ કેસો, અરવલ્લી- 112, સાબરકાંઠા -105

વિજયનગર બાયપાસ રોડ પર આવેલી સંયમનગર સોસાયટીમાં ભાડા ના મકાનમાં રહી ફેરિયાનું કામ કરતા અમદાવાદના 50 વર્ષિય શખ્સનો કૉરોના રિપોર્ટ ગુરુવારે રાત્રે પોઝિટિવ આવતા વિજયનગરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેને આરોગ્ય વિભાગ દ્વારા હિંમતનગરની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો.  વિજયનગર તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. એસ. એમ. ચૌહાણના જણાવ્યા અનુસાર મુળ અમદાવાદના અને વિજયનગરમાં ફેરિયાનું કામ કરતાં 50 વર્ષિય રામચંદ્ર મંગુભાઈ સાબરીયાનું ગત મંગળવારે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું જેનો ગુરુવારે રાત્રે  કૉરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ દ્વારા હિંમતનગરની સિવિલના આઇસોલેશન વોર્ડમાં ખસેડાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. મોડાસા શહેરમાં કાર્તિકેય સોસાયટીમાં રહેતા 70 વર્ષિય મહિલાને કોરોના આવતાં જિલ્લામાં કુલ 112 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.  આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી આશિષ નાયકે જણાવ્યું કે, જિલ્લામાં બુધવારે આરોગ્ય વિભાગના દ્વારા અગાઉ લેવાયેલા સેમ્પલ પૈકી મોડાસા શહેરના કાર્તિકેય સોસાયટીમાં રહેતા શારદાબેન બાબુભાઈ પ્રજાપતિ (70)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા 112 સુધી પહોંચી ગઇ છે. મહિલાને મોડાસાની કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કેસ મળતાં મોડાસા શહેરના કાર્તિકેય સોસાયટી તથા તેની આજુબાજુ આવેલ હરસિદ્ધ સોસાયટી, યમુનાનગર સોસાયટી, દેના બેંક કોલોની, શ્રીનાથ સોસાયટી, તથા ગોકુલ સોસાયટીને કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કર્યા છે. આરોગ્યની કુલ-3  ટીમો દ્વારા કુલ-166 ઘર ની કુલ-690 વસ્તીનું  હાઉસ ટુ હાઉસ સર્વે કરી 8 વ્યક્તિઓને હોમક્વોરન્ટાઇન કરાયા છે. હાલમાં  હોમ કોરેન્ટાઇન યાત્રી તેમજ લોકલ વ્યક્તિની સંખ્યા કુલ- 1514 છે. તથા વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં 3, તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 7 પોઝિટિવ દર્દીને સારવાર હેઠળ તેમજ 2 પોઝિટિવ કેસ ને હિંમતનગર સિવિલ ખાતે રીફર કરવામાં આવેલ છે. તેમજ અમદાવાદ જિલ્લાનો 1 પોઝિટિવ કેસ મોડાસા કોવિડ હોસ્પિટલમાં આઇસોલેશનમાં  સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો  છે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દર્દીઓ સાજા થઇ રજા અપાતાં ફૂલોથી સ્વાગત કરાયું

  • વિજયનગરના લીમડા ગામના કૉરોના પોઝિટિવ દિનેશભાઇ પાંડોર કૉરોનાને મ્હાત કરી ઘરે પરત આવતાં પરિવારજનો અને ગામલોકોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું હતું અને આરતી ઉતારી હતી.
  • અરવલ્લી જિલ્લામાં 100 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે. મોડાસાની કોવિડ હોસ્પિટલમાંથી વધુ ત્રણ લોકોને રજા આપતા જિલ્લામાં 100 લોકોની સારવાર પૂર્ણ થતાં તેમને ઘરે પરત મોકલવામાં આવ્યા છે.
  • પ્રાંતિજમાં કોરોનાને મ્હાત આપી પરત ફરેલ રાવલ દક્ષાબેનનું તપોધન ફડીના રહીશોએ ફૂલ વર્ષા, તાળીઓ પાડીને ભવ્ય સ્વાગત કર્યું હતુ. નગરપાલિકા ના વોર્ડ નં-૪ ના કોર્પોરેટર રાજેશભાઈ ટેકવાણી તથા મહિલા કોર્પોરેટર દિપ્તીબેન બ્રહ્મભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા .
  • હિંમતનગરની કોવિડ-19 મેડિસ્ટાર હોસ્પિટલમાં એડમીટ શૈલેષભાઇ પરમાર કોરોના મુક્ત થતાં નોડલ ડો.વિપુલ જાની, ડો.ભગતરામ સોમાણી, ડો.નિરવ મહેતા અને પેરામેડિકલ સ્ટાફે ઉષ્માભેર વિદાય આપી હતી.
  • તલોદની રોયલ પાર્ક સોસાયટીમાં કોરોના પોઝિટિવ દર્દી સાજા થઇ ઘેર આવતાં સોસાયટીના સભ્ય દ્વારા ફૂલથી અને તાળીઓના ગડગડાટથી સ્વાગત કરાયું હતુ.સોસાયટીના સભ્યો હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...