અરવલ્લીમાં અકસ્માત:દિવાળી પર્વે ધનસુરા-મોડાસા હાઇવે પર ટેમ્પોએ કારને અડફેટે લીધી, 3ના ઘટનાસ્થળ સહિત 4ના મોત, 1 ઈજાગ્રસ્ત

મોડાસાએક મહિનો પહેલા
અકસ્માતમાં બે સગાભાઈ સહિત 3 વ્યક્તિના ઘટનાસ્થળે મોત
  • દિવાળીએ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની સાયરનથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો
  • અકસ્માત સ્થળે સ્થાનિકોને રોકડ રૂ. 50 હજાર અને ત્રણ મોબાઈલ મળતા ધનસુરા પોલીસને સુપ્રત કર્યા

ગુજરાતમાં દિવાળીના પર્વમાં અકસ્માતની હારમાળા સર્જાઈ હોય તેમ રાજ્યમાં 4 ગમખ્વાર અકસ્માતમાં 7થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. અરવલ્લીના ધનસુરા-મોડાસા હાઇવે પર રહિયોલ ફાટક નજીક ટેમ્પોએ કારને અડફેટે લેતા 4 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. જેમાં કપડવંજના ગામના આંત્રોલીના પટેલ પરિવારના બે સગાભાઈ તેમજ રાજપુરનો અન્ય એક યુવક તથા એક શ્રમિક મળીને કુલ 4ના મોત થયા છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ઈજાગ્રસ્તોને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત સ્થળેથી સ્થાનિકોને 50 હજાર રોકડા અને ત્રણ મોબાઈલ મળી આવતા ધનસુરા પોલીસને સુપ્રત કર્યા હતા.

રહિયોગ ફાટક ટેમ્પો યમદૂત બનીને કાર પર ત્રાટક્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા-ધનસુરા રોડ પર ટેમ્પો-ટ્રકે કારને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કપડવંજ તાલુકાના આંત્રોલી ગામના મયંક વાસુદેવ પટેલ, નીરવ વાસુદેવ પટેલ, રાજપુરના બિપીન રણછોડભાઈ પટેલ, કાંતિલાલ ભેમજીભાઈ રોત, કાંતિલાલ નાનજીભાઈ કટારા કારમાં સવારે મોડાસાથી ધનસુરા પરત ફરી રહ્યા હતા, ત્યારે રહિયોલ ફાટક નજીક ટ્રક યમદૂત બની ત્રાટકી કારને ધડાકાભેર ટક્કર મારતા કારમાં સવાર 3ના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

અકસ્માત સર્જાયા બાદ એરબેગ પણ ફાટી ગયેલી અને લોહીથી તરબોળ થઈ
અકસ્માત સર્જાયા બાદ એરબેગ પણ ફાટી ગયેલી અને લોહીથી તરબોળ થઈ

અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટ્યા
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા કાંતિલાલ રોતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે કાંતિલાલ નાનજીભાઈ કટારાના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, દિવાળી પર્વમાં વહેલી સવારે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના સાયરનથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ધનસુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકોની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઈજાગ્રસ્તને હોસ્પિટલ સારવારાર્થે ખસેડાયા હતા
ઈજાગ્રસ્તને હોસ્પિટલ સારવારાર્થે ખસેડાયા હતા

(તસવીર અને માહિતી: કૌશિક સોની, ભિલોડા)