વરતારો:ભિલોડાના ખિલોડામાં દેવચકલી લીલા વૃક્ષ ઉપર બેસતાં આ વર્ષ સારું જવાના એંધાણ

મોડાસા,સુનોખ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા દેવચકલીને ઉડાડાઇ હતી. - Divya Bhaskar
આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા દેવચકલીને ઉડાડાઇ હતી.
  • આદિવાસી સમાજની વર્ષોની પરંપરા મુજબ દેવચકલીને તલ ગોળ ખવડાવી ઉડાડી

અરવલ્લી જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા વર્ષો પરંપરાગત વર્ષનો વરતારો જાણવા માટે દેવચકલીને વર્ષના પોષ માસના પ્રથમ શુક્રવારે ઉડાડાય છે. જેના ભાગરૂપે ભિલોડાના ખિલોડામાં વર્ષો પરંપરાગત આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા પ્રથમ શુક્રવારે દેવ ચકલીને કંકુ તિલક કરી તલ અને ગોળ ખવડાવી ગ્રામજનોની હાજરીમાં સરપંચ હસમુખભાઇ દ્વારા ઉડાડાઇ હતી. સરપંચે જણાવ્યું કે દેવ ચકલી લીલા વૃક્ષ ઉપર બેસતાં આ વર્ષ સારું જવાની આશાથી આદિવાસી સમાજના ભાઈ-બહેનોમાં ખુશી વર્તાઈ હતી.

ખિલોડામાં શુક્રવારે વર્ષના પોષ માસના પ્રથમ શુક્રવાર અને સુદ પાંચમ હોવાથી વર્ષ સારું જવાનો વરતારો જાણવા આદિવાસી યુવાનો દ્વારા જંગલમાંથી દેવચકલીને લવાઇ હતી. ગામના અગ્રણીઓ અને સરપંચ હસમુખભાઇ મેણાત અને શંકરભાઈ તેમજ કાંતિભાઈ જીતેન્દ્રભાઈ અને દિનેશભાઈ તેમજ ગામના અગ્રણી ભાઈ-બહેનોની હાજરીમાં દેવચકલીને કંકુ તિલક કરી તેને તલ અને ગોળ ખવડાવી શુભ મુહૂર્ત જોઈને ઢોલ નગારા વગાડી દેવ ચકલી ને ઉડાડાઇ હતી. જેમાં ચકલી નજીકમાં આવેલા લીલા વૃક્ષ ઉપર બેસતા આદિવાસી ભાઈ-બહેનોમાં ખુશી ફેલાઈ હતી.

સરપંચ હસમુખભાઇએ જણાવ્યું કે આદિવાસી સમાજમાં વર્ષોથી પરંપરાગત વર્ષના પોષ માસના પ્રથમ શુક્રવારે દેવ ચકલી ને કંકુ તિલક કરી તલ ગોળ ખવડાવીને જાણવા માટે ઉડાડાય છે. દેવચકલી લીલા વૃક્ષ ઉપર બેસે તો સારું જવાના એંધાણ અને સૂકા વૃક્ષો ઉપર બેસે તો વર્ષ દરમિયાન પશુ અને માણસોમાં રોગચાળો તેમજ વરસાદની અછત જેવો વરતારો અપાય છે.

અન્ય સમાચારો પણ છે...