કાર્યવાહી:માલપુરની સાતરડા સ્કૂલના આચાર્ય સસ્પેન્ડ મંડળનો વહીવટ સરકાર હસ્તક કરવા તજવીજ

મોડાસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી જિલ્લામાં શિક્ષિકાની ભરતીમાં વાયરલ ઓડિયો બાદ કાર્યવાહી
  • શિક્ષિકાને સ્કૂલમાં હાજર કરવા બાબતે પ્રિન્સિપાલે પાંચ લાખ માગ્યા હતા

અરવલ્લી જિલ્લામાં એક સપ્તાહ અગાઉ શિક્ષિકા અને પ્રિન્સિપાલ વચ્ચે ભરતી પ્રકરણમાં રૂપિયાની લેતી-દેતી બાબતે ઓડિયો વાયરલ થતાં આ પ્રકરણમાં જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસ હાથ ધર્યા બાદ મંડળને નોટિસ ફટકારીને ખુલાસો માગ્યો હતો. આ પ્રકરણમાં માલપુરના સાતરડા સ્કૂલના પ્રિન્સિપાલને મંડળે સસ્પેન્ડ કર્યો હોવાનું અને કેળવણી મંડળનો વહીવટ સરકાર હસ્તક કરવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તજવીજ હાથ ધરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

સાતરડા કેળવણી મંડળ સંચાલિત રાધાકૃષ્ણ વિદ્યામંદિરમાં એક સપ્તાહ અગાઉ શિક્ષિકાની ભરતી પ્રકરણ અંગે પાંચ લાખની લેતી-દેતી નો પ્રિન્સિપાલ અને ઉમેદવાર વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો. આ પ્રકરણમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ કર્યા બાદ કાર્યવાહી હાથ ધરાતાં મહિલા ઉમેદવાર પાસે દોઢ લાખની માગણી કરતો ઓડિયો વાયરલ થતાં સમગ્ર પ્રકરણ અંગે શિક્ષણ વિભાગ દ્વારા ઊંડી તપાસ હાથ ધરાઈ હતી. જેમાં સ્કૂલના પ્રિન્સિપાલે મહિલા ઉમેદવાર સાથે વાતચીત થઈ હોવાનું બહાર આવ્યું હતું.

આ પ્રકરણમાં જિલ્લા શિક્ષણાધિકારીએ મંડળને નોટિસ ફટકારીને ખુલાસાની માગણી કરતા કેળવણી મંડળે સ્કૂલના પ્રિન્સિપાલને સસ્પેન્ડ કર્યો હોવાનું તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાનો વહીવટ સરકાર હસ્તક કરવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. પ્રિન્સિપાલનું નામ હસમુખભાઈ પટેલ છે પરંતુ જિલ્લા શિક્ષણાધિકારી સાથે વાતચીત થઈ શકી ન હતી.

અન્ય સમાચારો પણ છે...