આક્રોશ:મોડાસા, માલપુર, બાયડ પંથકમાં વીજ પુરવઠો પૂરતો ન મળતાં રોષ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 કલાકના બદલે 6 કલાક સતત વીજપુરવઠો આપવા માગ

વીજ કંપની દ્વારા મોડાસા, માલપુર, બાયડ તાલુકામાં શિડ્યુલ પ્રમાણે ખેતીવિષયક થ્રી ફેજ વીજ પુરવઠો ન ફાળવાતાં અને વારંવાર કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતાં ખેડૂતો અકળાઈ ઉઠયા છે અને વીજ કંપનીની કચેરી આગળ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વીજ પુરવઠાના પ્રશ્ને લાલઘૂમ થયેલા ખેડૂતોએ જણાવ્યું કે આઠ કલાક ના બદલે છ કલાક વીજપુરવઠો આપો.

હાલ મગફળી બહાર કાઢવાની સીઝન ચાલુ હોઇ મગફળીને બહાર કાઢવા પાણીની જરૂરિયાત ઉભી થવાના સમયે મોડાસા, માલપુર અને બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવિષયક વીજ પુરવઠામાં કાપ મૂકાતાં ખેડૂતોની હાલત કફોડી છે. ખેડૂતો શિડ્યુલ પ્રમાણે કલાકો સુધી પાવર આવવાની રાહ જોઈને વગડામાં બેસી રહે છે. બાયડના ગાબટ, બાદરપુરા, સરસોલી અને માલપુરના ટુણાદર, ફીડરમાં શિડયુલ પ્રમાણે વીજપુરવઠો ન આવતો હોવાની ખેડૂતોની ફરિયાદ ઉઠી છે.

નબળી નેતાગીરી સામે ખેડૂતોનો આક્રોશ ઠાલવ્યો
ખેડૂતોએ જણાવ્યું કે થોડા દિવસ અગાઉ સૌરાષ્ટ્રમાં માત્ર 20 મિનીટ વીજ પુરવઠો ખોરવાતા નેતાઓ અને ખેડૂતો વીજ કચેરી પહોંચી ગયા હતા. તેની જગ્યાએ અરવલ્લીની નબળી નેતાગીરી ખેડૂતોની ફરિયાદ સાંભળવાના બદલે આંખ આડા કાન કરતી હોવાની ખેડૂતોની ફરિયાદ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...